પંજાબની ₹ સાત કરોડની બોલીનો ડરબનમાં પડઘો, માર્કો યેનસેને લીધી સાત વિકેટ
શ્રીલંકા 42 રનના લોએસ્ટ સ્કોર પર ઑલઆઉટ, 30 વર્ષનો અકબંધ રેકૉર્ડ તૂટ્યો
ડરબનઃ સાઉથ આફ્રિકાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર માર્કો યેનસેનને સોમવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં પંજાબ કિંગ્સની ટીમના માલિકોએ મેગા ઑક્શન દરમ્યાન ભારે રસાકસી વચ્ચે સાત કરોડ રૂપિયામાં ખરીદી લીધો એની યેનસેનના પર્ફોર્મન્સ પર સીધી અને ત્વરિત અસર પડી છે, કારણકે તેણે અહીં ગુરુવારે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકાની ફક્ત 13 રનમાં સાત વિકેટ ઝડપી લીધી હતી.
યેનસેને હરાજીમાં પંજાબે 1.25 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામેની હરીફાઈ વચ્ચે છેવટે સાત કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. સાઉથ આફ્રિકાના ચલણમાં આ 7.00 કરોડ રૂપિયાનું મૂલ્ય 1.51 કરોડ સાઉથ આફ્રિકન રૅન્ડ થાય અને પોતાના દેશ વતી હજી ત્રણ વર્ષથી રમતા 24 વર્ષના યેનસેન માટે એ બહુ મોટી રકમ કહેવાય.
આઇપીએલ-ઑક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓની `અનલકી ઇલેવન’ પર એક નજર…
યેનસેનની સાત વિકેટ તેમ જ જેરાલ્ડ કૉએટઝીની બે અને કૅગિસો રબાડાની એક વિકેટને કારણે શ્રીલંકાની ટીમ ફક્ત 42 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ-ક્રિકેટમાં શ્રીલંકાનો આ લોએસ્ટ સ્કોર છે. સાઉથ આફ્રિકાના બોલર્સના તરખાટને લીધે શ્રીલંકાની ટીમ 30 વર્ષ જૂના પોતાના સૌથી નીચા સ્કોરને જાળવી ન શકી. આ પહેલાં શ્રીલંકાનો લોએસ્ટ સ્કોર 71 રન હતો જે તેમણે 1994માં પાકિસ્તાન સામે બનાવ્યા હતા.
શ્રીલંકાની 42 રનની ઇનિંગ્સમાં કામિન્ડુ મેન્ડિસના 13 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પાંચ શ્રીલંકન બૅટર ઝીરોમાં આઉટ થયા હતા જેમાંના ચારની વિકેટ યેનસેને લીધી હતી.
સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકા માત્ર 42 રન બનાવી શક્તા યજમાન ટીમે 149 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં ટી-ટાઇમ સુધીમાં સાઉથ આફ્રિકાના લીડ સહિત કુલ 177 રન હતા.