સ્પોર્ટસ

‘આંતરરાષ્ટ્રીય શતરંજ દિન’ નિમિત્તે દેશ-વિદેશમાં અનેક ચેસ સ્પર્ધાઓ યોજાઈ

‘ચેસ ડે’નું મહત્ત્વ શું છે? એનો ટૂંકો ઇતિહાસ રસપ્રદ છે

નવી દિલ્હી: વિશ્ર્વભરમાં શનિવાર, 20 જુલાઈનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય ચેસ દિન’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. એના સેલિબ્રેશન રૂપે ભારત સહિત અનેક દેશોમાં ચેસની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

આ દિવસ ‘આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ’ તરીકે પણ ઓળખાય છે. આ દિનની સ્થાપના 1924માં પૅરિસમાં થઈ હતી. યોગાનુયોગ, એ જ વર્ષમાં પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી.
શતરંજની રમત પ્રાચીન છે. એની શરૂઆત છઠ્ઠી સદીમાં ભારતમાં ‘ચતુરંગ’ નામના ખેલથી થઈ હતી. ત્યાર બાદ આ રમત પશ્ર્ચિમી દેશોમાં (ખાસ કરીને યુરોપમાં) લોકપ્રિય થતી ગઈ હતી. ખાસ કરીને ભારત ઉપરાંત રશિયા, હંગેરી અને અન્ય દેશોમાં રમાય છે.

સામાન્ય રીતે ‘વર્લ્ડ ચેસ ડે’ને દિવસે શતરંજની હરીફાઈઓ યોજાય છે અને તાલીમના વર્ગો પણ યોજવામાં આવે છે. શતરંજ માત્ર રમત નહીં, એક પ્રકારની કળા પણ છે. આ રમત રણનીતિ બનાવવાનું, સમસ્યાના સમાધાન કરવાનું તેમ જ એકાગ્રતાથી ભલભલા સંઘર્ષોમાં સફળતા મેળવવાનું શીખવે છે. અન્ય ઘણી રમતોની જેમ ચેસની રમત વિવિધ દેશોને મતભેદો છતાં શતરંજના બોર્ડ પર એક કરી શકે છે.

કહેવાય છે કે શતરંજનો સૌથી જૂનો ટુકડો 12મી સદીમાં આયરલૅન્ડમાંથી મળ્યો હતો. દુનિયાની સૌથી લાંબી શતરંજની ગેમ 1984માં બેલગ્રેડમાં થઈ હતી જે 219 કલાક અને પાંચ મિનિટ સુધી ચાલી હતી.
સુરત શહેર ચેસના ગ્રૅન્ડ માસ્ટર્સનું હબ ગણાય છે. આ શહેરમાંના ચેસના ખેલાડીઓ રાષ્ટ્ર તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. સુરત જિલ્લા ચેસ અસોસિયેશન દ્વારા વર્ષે સરેરાશ 12થી 15 મોટી ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button