મનુ ભાકરને જ્યારે ટીચરે ક્લાસમાં આવવાની ચોખ્ખી મનાઈ કરી હતી…

નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગના બે બ્રૉન્ઝ મેડલ જીતનાર અને નિશાનબાજીમાં પોતાના વર્ગ (10 મીટર ઍર પિસ્તોલ)માં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી મનુ ભાકરે ગુરુવારે દિલ્હીમાં એક ફૅશન શો દરમ્યાન રૅમ્પ પર કૅટવૉક કરીને સૌકોઈને ચોંકાવી દીધા ત્યાર પછી આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની કૉલેજનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને ત્યારની કેટલીક ઘટના યાદ કરીને એનું પણ વર્ણન કર્યું હતું. ખાસ કરીને એક દિવસ ટીચરે તેને ક્લાસમાં પ્રવેશવાની મનાઈ કરી હતી એ કિસ્સાની વાત તેણે કરી હતી.
મનુ ભાકર બાવીસ વર્ષની છે. તેનો જન્મ હરિયાણા રાજ્યના ગોરિયા ગામમાં થયો હતો. તે એ જ ગામની સ્કૂલમાં ભણી હતી, પરંતુ પછીથી પૉલિટિકલ સાયન્સનો વિષય પસંદ કરીને દિલ્હીની લૅડી શ્રી રામ (એલએસઆર) કૉલેજમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી ગ્રૅજ્યૂએટ થઈ હતી.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સના અરસામાં મનુનો અભ્યાસ હજી બાકી હતો અને તે એલએસઆર કૉલેજમાંથી રજા લઈને ટોક્યો પહોંચી હતી. તેણે એ કૉલેજની વાત કરતા કહ્યું, ‘ઘણા લોકો એવું માને છે કે આ કૉલેજની છોકરીઓ નારીશક્તિવાદના અભિગમવાળી તેમ જ મજબૂત મનોબળવાળી હોય છે. હું આ વાત સાથે સહમત છું. શરૂઆતમાં તો મને આ કૉલેજમાં જોડાતા ખચકાતી હતી, કારણકે હું એવું માનતી હતી કે આ કૉલેજનું એટલું મોટું નામ છે કે હું એને અનુરૂપ નહીં રહી શકું. જોકે હું મીનાક્ષી મૅમને પહેલી વાર મળી અને તેમની સાથે જે વાતચીત થઈ ત્યારે મને થયું કે આ જ મારી ડ્રીમ કૉલેજ છે. આવી કૉલેજમાં ભણવાનું જ મારું સપનું હતું જે સાકાર કરી શકીશ. ત્યાર પછી બધુ બરાબર પાર પડ્યું અને નિશાનબાજીની તાલીમમાં મને જસપાલ સર (ભૂતપૂર્વ નિશાનબાજ જસપાલ રાણા) બહુ સારો સપોર્ટ મળ્યો હતો.’
આ પણ વાંચો :મનુ ભાકર 59,000 રૂપિયાની સાડીમાં સજ્જ થઈને પહોંચી ગઈ કેબીસીના સેટ પર!
મનુ ભાકરે ખેલકૂદ (નિશાનબાજી) અને અભ્યાસ વચ્ચે સારી સમતુલા રાખી હતી એની વાત કરતા કહ્યું હતું કે ‘ઘણી વાર મારે અચાનક જ શૂટિંગ રૅન્જમાં તાલીમ લેવા પહોંચી જવું પડતું અને ક્યારેક કૉલેજમાં ક્લાસ અટૅન્ડ કરવા પણ દોડી જતી હતી. જોકે આ બાબતમાં હું સારી સમતુલા જાળવતી હતી. એક દિવસ હું કૉલેજમાં મોડી પહોંચી અને ક્લાસમાં આવવા દેવા ટીચરને વારંવાર વિનંતી કરી તો પણ તેમણે મને અંદર ન જ આવવા દીધી. કારણકે હું બહુ મોડી પહોંચી હતી. એ કિસ્સા પરથી હું બોધ શીખી કે જીવનમાં સમતુલા ખૂબ જરૂરી હોય. બધું કંઈ આપણા ધાર્યા પ્રમાણે ન થાય.’