મનુ ભાકરની જીતના સેલિબ્રેશનના રંગમાં ભંગ: જાણો, મૅનેજર કોને શા માટે નોટિસ મોકલવાના છે?
પૅરિસ/નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ મંગળવારે બૅક-ટુ-બૅક હરીફાઈમાં ચંદ્રક જીતીને ફરી એકવાર કમાલ કરી એ બદલ દેશભરના સ્પોર્ટ્સપ્રેમીઓ બેહદ ખુશ છે અને આવી જ ખુશી કેટલીક જાણીતી કંપનીઓની બ્રૅન્ડ્સ દ્વારા પણ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરાઈ છે. જોકે કેટલીક બ્રૅન્ડ્સમાં મનુ ભાકરને અભિનંદન આપતો જે સંદેશ અપાયો એને લઈને વિવાદ જાગ્યો છે.
મનુ ભાકર ઘણા વર્ષોથી શૂટિંગની રમતમાં પર્ફોર્મ કરે છે. તે 10 મીટર ઍર પિસ્તોલમાં પોતાની કૅટેગરીમાં વર્લ્ડ ચૅમ્પિયન છે અને વર્લ્ડ કપ, કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ સહિતની સ્પર્ધાઓમાં 20થી વધુ ગોલ્ડ મેડલ અને બીજા ચંદ્રકો જીતી ચૂકી છે.
આ પણ વાંચો : મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?
મનુ ભાકરના વિવિધ કંપનીઓની બ્રૅન્ડ્સ અને એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટને લગતા કામ આઇઓએસ સ્પોર્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની સંભાળે છે. જોકે મનુ ભાકરના મૅનેજરે કેટલીક જાણીતી બ્રૅન્ડ્સને કાનૂની નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે, કારણકે આ બ્રૅન્ડ્સ સાથે મનુ ભાકરનો કોઈ જ સંબંધ ન હોવા છતાં આ બ્રૅન્ડ્સ મારફત
મનુને અભિનંદન આપતી જાહેરખબરો મનુના ફોટો તથા વીડિયોના ઉપયોગ સાથે જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મનુ ભાકરના મૅનેજરનું કહેવું છે કે આ બ્રૅન્ડ્સ મનુની સ્પૉન્સર ન હોવા છતાં મનુના ફોટો અને વીડિયોનો ઉપયોગ જાહેરખબરોમાં કરવામાં આવ્યો છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે બે ડઝન જેટલી બ્રૅન્ડ કોઈ પણ રીતે મનુ સાથે સંકળાયેલી ન હોવા છતાં એના દ્વારા સોશિયલ મીડિયામાં મનુના ફોટો અને વીડિયો સાથે તેને અભિનંદન આપવામાં આવ્યા છે. મનુના મૅનેજરના જણાવ્યા અનુસાર આવું કરવું કાનૂની રીતે માન્ય ન કહેવાય એટલે મનુ વતી આ બ્રૅન્ડ્સને નોટિસ મોકલવામાં આવશે. મનુના મૅનેજરના મતે આને મનુ ભાકરના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરીને પોતાની બ્રૅન્ડ્સનું મફતમાં માર્કેટિંગ થયું કહેવાય.
કાનૂની રીતે આ પ્રકારના ઉલ્લંઘનની છૂટ નથી; પરંતુ સામાન્ય રીતે ભારતમાં સેલિબ્રિટીઝ આવા કેસમાં કાનૂની પગલું નથી ભરતી હોતી, કારણકે ભારતમાં આવા પ્રકારના કેસ વર્ષો સુધી ચાલતા હોય છે.