ટેબલ ટેનિસમાં મનિકા બત્રાની 15 રૅન્કની ઊંચી છલાંગ, ભારતને અપાવી અભૂતપૂર્વ સિદ્ધિ
નવી દિલ્હી: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ગયા વર્ષે ચીનમાં ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યા બાદ મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ભારત વતી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી.
28 વર્ષની મનિકા વિશ્ર્વભરની મહિલાઓની ટેબલ ટેનિસ (ટી.ટી.)માં 24મા નંબર પર પહોંચી ગઈ છે. ટી.ટી.ના વર્લ્ડ રૅન્કિંગમાં ટોચના પચીસ ક્રમમાં સ્થાન મેળવનાર તે પહેલી જ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે પુરુષોની ટેબલ ટેનિસમાં ભારતના સાથિયાનના પાંચ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી છે.
ખેલરત્ન પુરસ્કાર વિજેતા મનિકાએ સાઉદી સ્મૅશ નામની ટૂર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું એ પહેલાં તે 39મા ક્રમે હતી, પણ નવા ક્રમાંકો મુજબ તેણે 15 નંબરની ઊંચી છલાંગ લગાવી છે અને 24મા સ્થાને આવી ગઈ છે.
ટેબલ ટેનિસમાં સાઉદી સ્મૅશ બહુ જાણીતી સ્પર્ધા છે અને એમાં ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવું એ પણ ભારતીય મહિલા ખેલાડી માટે સર્વપ્રથમ સિદ્ધિ કહેવાય અને એ સિદ્ધિ ભારતની વર્તમાન નંબર-વન મહિલા ખેલાડી મનિકાએ મેળવી છે. ક્વૉર્ટરમાં તે એકથી વધુ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ ધરાવતી ચીનની વૉન્ગ મૅન્યૂને હરાવી હતી.
મનિકા 2023માં ચીનની હાંગ્ઝુ એશિયન ગેમ્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા પ્લેયર બની હતી.
મનિકાએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર મળી રહેલા અભિનંદનો વચ્ચે સ્ટોરીમાં જણાવ્યું, ‘ઑલિમ્પિક ગેમ્સની શરૂઆતના ગણતરીના અઠવાડિયા પહેલાં વર્લ્ડ રૅન્કિંગના ટૉપ-25માં આવવાની સાથે કરીઅર-બેસ્ટ રૅન્ક મેળવવી એ મારા માટે બહુ જ મહત્ત્વનું છે અને હવે એનાથી ઑલિમ્પિક્સની તૈયારી કરવામાં મારો ઉત્સાહ વધી જશે. એમાં હું અગાઉની તમામ ટૂર્નામેન્ટો કરતાં વધુ સારો પર્ફોર્મન્સ બતાવીશ અને મારા દેશને અનેરું ગૌરવ અપાવીશ.’
2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં વ્યક્તિગત તેમ જ ટીમ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર મનિકાએ પોતાની વિરલ સિદ્ધિઓ બદલ કોચ અમન બાલ્ગુનો તેમ જ સાથી ખેલાડીઓનો અને પરિવારજનો તેમ જ ચાહકોનો ઇન્સ્ટાગ્રામ પર આભાર માન્યો હતો.