ચોથી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ વિકેટકીપર? પંત માત્ર બૅટ્સમૅન તરીકે રમશે?

મૅન્ચેસ્ટરઃ બુધવાર, 23મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) મૅન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગની જવાબદારી ઈજાગ્રસ્ત રિષભ પંત (RISHABH Pant) પાસેથી લઈને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને સોંપવામાં આવશે એવી સંભાવના છે.
પંતને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં બૉલ રોકવા જતાં ડાબા હાથની પહેલી આંગળીમાં ઈજા (injury) થઈ હતી જેને લીધે તેણે ત્રીજી ટેસ્ટમાં મોટા ભાગનો સમય ફીલ્ડિંગ નહોતી કરી અને બૅટિંગમાં પણ તેને ખૂબ તકલીફ થઈ હતી. ભારત પાંચ મૅચની સિરીઝમાં 1-2થી પાછળ છે. એવું માનવામાં આવે છે કે મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટમાં પંતને માત્ર બૅટ્સમૅન તરીકે ટીમમાં સમાવવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો’ રવિવારે આમનેસામને
ટીમ ઇન્ડિયાનો બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ પ્રૅક્ટિસ-સેશનમાં ધ્રુવ જુરેલને બૅટિંગ-પ્રૅક્ટિસ કરાવશે. ખાસ કરીને જુરેલ બૅટિંગ દરમ્યાન સ્ટમ્પ્સને કેટલા બચાવી શકે છે અને આઉટ-સાઇડ એજની બાબતમાં પોતાને કેટલો સલામત રાખી શકે છે એ ચકાસશે.
જુરેલના સમાવેશ સાથે પંતને પણ ટીમમાં જાળવી રાખવામાં આવશે તો કદાચ વનડાઉનના બૅટ્સમૅન કરુણ નાયરને ટીમમાંથી પડતો મૂકવામાં આવશે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સમૅન : માર્ગ વિકટ ખરો, પણ વિક્ટરી શક્ય છે
ધ્રુવ જુરેલ 24 વર્ષનો છે. તેનો જન્મ આગ્રામાં થયો હતો. તે ભારત વતી ચાર ટેસ્ટ અને ચાર ટી-20 રમ્યો છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાંચીમાં ઇંગ્લૅન્ડ સામેની જ ટેસ્ટમાં ધ્રુવ જુરેલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે પ્રથમ દાવમાં 211 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 90 રન કર્યા હતા અને બીજા દાવમાં 75 મિનિટ સુધી ક્રીઝમાં રહીને તે 39 રનના સ્કોર સાથે અણનમ રહ્યો હતો. તેણે સ્ટમ્પ્સની પાછળથી ત્રણ શિકાર પણ કર્યા હતા.
ભારતે રોહિત શર્માના સુકાનમાં એ ટેસ્ટ ચોથા દિવસે પાંચ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી.