
ઈન્દોરઃ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ટવેન્ટી-20 સિરીઝ પૈકીની બીજી મેચ ગઈકાલે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાનની બેટિંગ વખતે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર કિંગ કોહલી બાઉન્ડરી નજીક ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. સ્ટેડિયમમાંથી એક ચાહક સિક્યોરિટી તોડીને કોહલીની ભેટી પડતા સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા હતા.
સુરક્ષા કવચ તોડીને એ ચાહકે કોહલીને પગે લાગ્યો હતો તેમ જ ગળે વળગ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ પણ એ વખતે ચાહકની નજીક પહોંચીને તેને મેદાનમાંથી બહાર લઈ ગયો હતો, પરંતુ તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા મુદ્દે ક્રિકેટરોની સિક્યોરિટી મુદ્દે ગંભીર સવાલ કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એક અજાણ્યો ચાહક કોહલીને મળવા માટે મેદાનમાં ઘૂસી ગયો હતો. કોહલીને મળ્યા પછી પોલીસે તેની અટક કરી હતી તથા તેની પાસેથી મેચની ટિકિટ પણ મળી હતી. નરેન્દ્ર હિરવાની ગેટમાંથી ઘૂસીને તે હોલકર સ્ટેડિયમમાં ઘૂસ્યો હતો. કોહલીને પગે લાગ્યા પછી તેને ભેટ્યો હતો, પરંતુ પોલીસે તેની અટક કરીને તેની પૂછપરછ કરી હતી. તુકોગંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ વીડિયો વાઈરલ થયા પછી એક્સ પ્લેટફોર્મ પર એક યૂઝરે આ વીડિયો શેર કર્યો હતો, જ્યારે વિરાટે પણ તેના ફેન્સ સાથે સિક્યોરિટી ગાર્ડને સારી રીતે વર્તવા જણાવ્યું હતું. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી.
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને અફઘાનિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 20 ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમે 172 રન કર્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયાએ 15.4 ઓવરમાં 173 રનનો ટાર્ગેટ અચીવ કર્યો હતો. 14 મહિના પછી ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વિરાટ કોહલીએ 16 બોલમાં 29 રન ફટકાર્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા માર્યા હતા. આગામી ત્રીજી ટવેન્ટી-20 મેચમાં બેંગલુરુમાં ભારત અફઘાનિસ્તાન સામે ફૂલ વ્હાઈટ વોશ કરવા માટે રમશે.