સ્પોર્ટસ

આંધ્ર ક્રિકેટ એસોસિયેશન પર બેટ્સમેને લગાવ્યો મોટો આરોપ, તપાસના આદેશ અપાયા

અમરાવતીઃ ભારતીય બેટ્સમેન હનુમા વિહારીએ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પર મોટો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ ક્રિકેટમાં રાજકીય હસ્તક્ષેપ ચરમસીમા પર છે અને તેથી જ તેણે ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપવું પડ્યું.


મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ બાદ વિહારીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે તેણે બંગાળ સામેની મેચ બાદ ટીમના 17મા ખેલાડીને ઠપકો આપ્યો હતો. વિહારીના કહેવા પ્રમાણે ખેલાડીના પિતા રાજનેતા છે અને તેમણે સંઘ પર તેમને કેપ્ટનશિપમાંથી હટાવવા માટે દબાણ કર્યું હતું. વિહારીની જગ્યાએ રિકી ભુઈને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


હવે આંધ્ર પ્રદેશ ક્રિકેટે આ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું છે કે વિહારી વિરુદ્ધ તપાસ થશે. એસીએએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે વિહારીના અભદ્ર ભાષાનો ઉપયોગ અને અપમાનજનક વર્તન અંગે ટીમના સાથી, સપોર્ટ સ્ટાફ અને એસીએ એડમિનિસ્ટ્રેટર્સ તરફથી ફરિયાદો મળી હતી.


તમામ ફરિયાદોની સંપૂર્ણ તપાસ કરાશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે બંગાળ સામેની રણજી મેચ દરમિયાન વિહારીએ બધાની સામે એક ખેલાડી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અસરગ્રસ્ત ખેલાડીએ એસીએમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે..


નોંધનીય છે કે વિહારીએ લખ્યું હતું કે બંગાળ સામેની મેચમાં હું કેપ્ટન હતો. મેં તે મેચમાં 17મા ખેલાડી પર બૂમો પાડી અને તેણે જઈને તેના પિતાને ફરિયાદ કરી જે રાજકારણી છે. ત્યારે તેના પિતાએ સંઘને મારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મારી કોઈ ભૂલ ન હોવા છતાં મને કેપ્ટનશિપ છોડવાનું કહેવામાં આવ્યું હતું. વિહારીએ કહ્યું હતું કે તે આંધ્ર પ્રદેશ માટે ફરી ક્યારેય નહીં રમે. મેં આ નિર્ણય આત્મસન્માન માટે લીધો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button