સ્પોર્ટસ

સીએમ ફડણવીસે સ્મૃતિ, જેમિમા અને રાધા યાદવને 2.25 કરોડ રૂપિયાના ઇનામથી સન્માનિત કરી…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (FADANVIS) શુક્રવારે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમની મુંબઈની ત્રણ ખેલાડી સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ અને રાધા યાદવનું સન્માન કરીને (આ દરેકને) 2.25 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ (prize) આપ્યું હતું.

મુખ્ય પ્રધાને દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ` વર્ષા’ ખાતે ત્રણેય પ્લેયરના બહુમાનનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને આ ઇનામીરકમથી સન્માનિત કરી હતી. ટીમના હેડ-કોચ અમોલ મુઝુમદારને 22.50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, જ્યારે સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 11 લાખ રૂપિયા અપાયા હતા.

ફડણવીસે ત્રણેય વર્લ્ડ ચૅમ્પિયન (champion) ખેલાડીઓને મહારાષ્ટ્રનાં ગૌરવ’તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે ભારતીય ટીમનો આ વિજય છોકરીઓને ખેલકૂદમાં કરીઅર બનાવવા તેમ જ વૈશ્વિક સ્તરે ચમકવા માટે પ્રેરિત કરશે. ખાસ કરીને જેમિમા રૉડ્રિગ્સે ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં જે સેન્ચુરી કરી એ ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ બની હતી અને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. આ ટીમે જે રીતે ટૂર્નામેન્ટમાં લડત આપી અને ખેલાડીઓ એક પરિવારની જેમ રમી એ બતાવે છે કે ટીમવર્ક થકી જ આ સિદ્ધિ શક્ય બની છે.’

મહિલા ક્રિકેટના બાવન વર્ષના ઇતિહાસમાં ભારતે પહેલી વાર વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે અને એ રીતે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડના એકચક્રી શાસનનો અંત લાવી દીધો છે. રવિવારની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને બાવન રનથી પરાજિત કર્યું હતું.

મહિલા ક્રિકેટના વિકાસ માટે બીસીસીઆઇ તેમ જ આઇસીસીના ચૅરમૅન જય શાહ જે જહેમત ઉઠાવી રહ્યા છે એ બદલ પણ ફડણવીસે તેમની પ્રશંસા કરી હતી. મુખ્ય પ્રધાનના આ સમારોહમાં બોલિંગ-કોચ આવિષ્કાર સાળવી, ભારતીય મહિલા ક્રિકેટનાં ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટ-લેજન્ડ ડાયના એદલજી, વિશ્લેષક અનિરુદ્ધ દેશપાંડે, લૉજિસ્ટિક્સ કૉ-ઑર્ડિનેટર અપર્ણા ગંભીરરાવ તેમ જ સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ મિહિર ઉપાધ્યાય, પૂર્વા કાટે અને મમતા શિરરુલ્લા પણ ઉપસ્થિત હતા.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ આ ફંક્શનમાં હાજર હતા. તેમણે ચૅમ્પિયન ટીમને બિરદાવતાં કહ્યું, ` 1983માં કપિલ દેવ અને તેમના સાથીઓએ વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી ત્યારે દેશમાં ક્રિકેટને ધર્મની ઓળખ મળી હતી. તમારી જીત 1983 જેવી જ છે. દાયકાઓ પછી મહિલા ક્રિકેટમાં દેશને આ મહાન સિદ્ધિ મળી જે તમે અપાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ કહ્યું છે એમ તમે બધાએ સૌનાં દિલ જીતી લીધા છે. તમારી આ જીત પછી દેશમાં દિવાળી ફરી ઉજવાઈ છે. આ વિજય પરથી સાબિત થયું છે કે ગ્રામ્ય ભારતમાંથી આવતી છોકરીઓને તક મળે તો તેઓ દેશને ગૌરવ અપાવી શકે.’

આ પણ વાંચો…વ્હીલચેરમાં બેઠેલી ક્રિકેટર પ્રતીકા રાવલને તેની ફેવરિટ ડિશ કઈ એવું પૂછ્યા પછી ખુદ મોદીએ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button