
બેંગલૂરુઃ ચોથી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સૌપ્રથમ ચૅમ્પિયનપદની ઉજવણી વખતે થયેલી જીવલેણ ધક્કામુક્કી (STEMPEDE)ની દુર્ઘટના બાદ હવે બીસીસીઆઇ તેમ જ ખુદ આરસીબી વધુ એક ચિંતામાં મુકાઈ છે. જસ્ટિસ જૉન માઇકલ કુન્હા પંચે (CUNHA COMMISSION) તપાસ સંબંધમાં આપેલા અહેવાલમાં બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મોટી ઇવેન્ટ રાખવા માટે અસલામત અને અનફિટ જાહેર કર્યું છે.
આ સ્ટેડિયમની નજીક ચોથી જૂને થયેલી નાસભાગમાં 11 જણના જીવ ગયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ દુર્ઘટના સંબંધમાં કર્ણાટક પોલીસ, સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન અને રાજ્ય સરકાર એકમેક સામે આંગળી ચીંધે છે. આરસીબીના ફ્રૅન્ચાઇઝીને મુખ્યત્વે જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે, કારણકે આ ફ્રૅન્ચાઇઝીએ પોલીસની અગાઉથી પરવાનગી લીધા વગર અસંખ્ય લોકોને આકર્ષતી જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. જોકે સ્ટેડિયમ ખાતેની ચોથી જૂનની ઇવેન્ટ વિશે બીસીસીઆઇનો કોઈ જ સંબંધ નહોતો.
પંચનો ફેંસલો બીસીસીઆઇ માટે માથાનો દુખાવો બની શકે, કારણકે આ સ્ટેડિયમના ડિઝાઇન અને સ્ટ્રક્ચર મોટી સંખ્યામાં લોકોની હાજરી માટે પંચ દ્વારા અયોગ્ય અને અસલામત ગણાવવામાં આવ્યા છે.
આગામી સપ્ટેમ્બરમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. એ સ્પર્ધાની પ્રારંભિક મૅચ તેમ જ એક સેમિ ફાઇનલ બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાખવાની બીસીસીઆઇની યોજના હતી, પણ હવે શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવો પડશે. કર્ણાટકમાં બેંગલૂરુને બાદ કરતા બીજું કોઈ મોટું ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ નથી. 2026માં આરસીબીની આઇપીએલની મૅચો આ સ્ટેડિયમમાં રાખવી કે નહીં એ મુદ્દો પણ ચર્ચાસ્પદ થશે.