લખનઊ: આઇપીએલની સીઝનમાં કોઈ બે ટીમ વચ્ચે એક મુકાબલો થઈ જાય ત્યાર બાદ તરત જ (બીજી જ મૅચમાં) એ જ બે ટીમ પાછી સામસામે આવી જાય એવું જવલ્લે જ બન્યું છે. આ વખતે ફરી બનવાનું છે.
શુક્રવારે લખનઊમાં ભારતરત્ન અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને છ બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવી હતી. ચેન્નઈએ અજિંક્ય રહાણેના 36 રન, રવીન્દ્ર જાડેજાના અણનમ 57 રન, મોઇન અલીના 30 રન અને એમએસ ધોનીના બે સિક્સર તથા ત્રણ ફોરની મદદથી બનેલા અણનમ 28 રનની મદદથી છ વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનઊએ જવાબમાં 19 ઓવરમાં બે વિકેટે 180 રન બનાવીને વિજય મેળવી બે પૉઇન્ટ મેળવવાની સાથે પાંચમા સ્થાને જમાવટ કરી હતી. લખનઊને કૅપ્ટન કેએલ રાહુલ (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને ક્વિન્ટન ડિકૉક (54 રન, 43 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે પહેલી વિકેટ માટે 134 રનની આ સીઝનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી.
રાહુલે 82 રન 154.1ના સ્ટ્રાઇક-રેટથી બનાવ્યા હતા. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
શુક્રવારે તો લખનઊએ હોમ-ગ્રાઉન્ડ પર ચેન્નઈ સામે વિજય મેળવ્યો, પણ હવે બે દિવસ પછી ચેન્નઈમાં લખનઊ માટે જીતવું મુશ્કેલ થઈ શકે. મંગળવારે ચેન્નઈમાં ચેપૉકના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં ચેન્નઈની ટીમ લખનઊ સામે રમશે એટલે લખનઊ સામે શુક્રવારની હારનો બદલો લેવાનો ચેન્નઈને તરત જ મોકો મળશે.
ચેન્નઈની ટીમ આ વખતે હોમ-ગ્રાઉન્ડ પર ત્રણેય મૅચ જીતી છે. બેન્ગલૂરુને ચેન્નઈએ છ વિકેટે, ગુજરાતને 63 રનથી અને કોલકાતાને સાત વિકેટે પરાજય ચખાડ્યો હતો. હવે બે અઠવાડિયા બાદ ચેન્નઈની ટીમ ફરી હોમ-ટાઉનમાં રમવા આવી ગઈ છે જે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબરે પહોંચવાનો મોકો છે. જોકે લખનઊની ટીમને પણ એવી તક મળી શકે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને