
ચેન્નઈ: લખનઊ સુપર જાયન્ટ્સે મંગળવારે રાત્રે ચેપોકમાં 211 રનનો તોતિંગ ટાર્ગેટ મેળવીને ચેન્નઈ સુપર કિંગ્સને આ સીઝનમાં સતત બીજો પરાજય ચખાડ્યો હતો. કેએલ રાહુલની ટીમે 19.3 ઓવરમાં ચાર વિકેટે 213 રન બનાવીને સેન્ચુરિયન ઋતુરાજ ગાયકવાડની ટીમને એના જ ગઢમાં પરાસ્ત કરી અને બહુમૂલ્ય બે પોઇન્ટ મેળવી લીધા. હજી ચાર જ દિવસ પહેલાં લખનઊમાં રાહુલ એન્ડ કંપનીએ ચેન્નઈને આઠ વિકેટે હરાવ્યું હતું. ત્યારે રાહુલ 82 રન સાથે હીરો બની ગયો હતો અને આ વખતે માર્કસ સ્ટોઈનિસ (124 અણનમ, 63 બૉલ, છ સિક્સર, તેર ફોર) સુપર હીરો બની ગયો. તે વનડાઉનમાં આવ્યો હતો અને એકલા હાથે લખનઊને જીતાડ્યું હતું. પૂરને 34 અને હૂડાએ અણનમ 17 રન બનાવ્યા હતા.
સ્ટોઈનિસ આઈપીએલના હાઈએસ્ટ રન-ચેઝમાં હવે ટૉપ સ્કોરર છે. તેણે પૉલ વાલ્થટીનો 2011ની સાલનો 120 રન (એ પણ ચેન્નઈ સામે)નો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલમાં સ્ટોઈનિસની આ પહેલી સેન્ચુરી હતી અને એ ધમાકેદાર, દમદાર અને મૅચ-વિનિંગ બની.
ગાયકવાડની અણનમ 108 રનની સદી એળે ગઈ. મુસ્તફિઝૂરની છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, સ્ટોઈનિસે એક નો-બોલની મદદથી ત્રણ જ બૉલમાં 19 રન ખડકી દીધા હતા. પથિરાનાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. લખનઊએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈને ઉપરાઉપરી બે મૅચ હરાવીને ચોથું સ્થાન મેળવ્યું અને ચેન્નઈ હવે પાંચમે છે.
એ પહેલાં, ચેન્નઈ સુપર કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સને 211 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 210 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (108 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) આઇપીએલની 17મી સીઝનનો સાતમો સેન્ચુરિયન બન્યો હતો. રાજસ્થાનના જૉસ બટલરની બે સદી ગણતાં આ સીઝનમાં કુલ આઠ સેન્ચુરી ફટકારાઈ છે.
ગાયકવાડની આઇપીએલના ઇતિહાસમાં આ બીજી સેન્ચુરી હતી. તેની અને શિવમ દુબે (66 રન, 27 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. ગાયકવાડે 10 ફોર પછી પહેલી સિક્સર ફટકારી હતી અને આખી ઇનિંગ્સમાં તેણે કુલ ત્રણ છગ્ગા માર્યા હતા.
20મી ઓવરના ચોથા બૉલમાં દુબેની વિકેટ પડ્યા પછી ગાયકવાડ સાથે એમએસ ધોની જોડાયો હતો, પણ ધોનીના ભાગમાં માત્ર એક બૉલ આવ્યો હતો જેમાં તેણે ફોર ફટકારી હતી. ધોની આ કદાચ છેલ્લી સીઝન છે અને તે લગભગ દરેક ગ્રાઉન્ડ પર આંગળીને વેઢે ગણાય એટલા બૉલ રમવા મળે તો પણ રમવા મેદાન પર ઉતરીને પ્રેક્ષકોને ખુશ કરે છે.
લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી ત્યાર બાદ ગાયકવાડનો સાથી-ઓપનર અજિંક્ય રહાણે ફક્ત એક રન બનાવીને અને ડેરિલ મિચલ 11 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ 19મી એપ્રિલે લખનઊ સામે ચોથા નંબર પર કરેલી બૅટિંગમાં 57 રન બનાવ્યા હતા, પણ હોમ-ગ્રાઉન્ડ ચેન્નઈમાં ફક્ત 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
લખનઊના છમાંથી ત્રણ બોલર (મૅટ હેન્રી, મોહસીન ખાન, યશ ઠાકુર)ને એક-એક વિકેટ મળી હતી. રવિ બિશ્નોઈ અને કૃણાલ પંડ્યાની માફક સ્ટોઈનિસને પણ વિકેટ વિકેટ નહોતી મળી, પરંતુ તેણે બેટિંગમાં પરચો બતાવી દીધો હતો.