LPL : શ્રીલંકાની ક્રિકેટમાં ભૂકંપ: મૅચ-ફિક્સિંગ (Match-Fixing)ના આરોપસર ટીમના માલિકની ધરપકડ અને ફ્રૅન્ચાઇઝીની હકાલપટ્ટી

કોલંબો: એક તરફ ભારતમાં આઇપીએલની 17મી સીઝન પણ સફળતાપૂર્વક પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે શ્રીલંકાની ક્રિકેટમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં થયેલા મૅચ-ફિક્સિંગ કરાવવાના કાંડથી સનસનાટી મચી ગઈ છે.
દામ્બુલા થન્ડર્સના ફ્રૅન્ચાઇઝીના માલિક તમીમ રહમાનની મૅચ-ફિક્સિંગના સંદેહને પગલે ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ ફ્રૅન્ચાઇઝી સાથેનો કૉન્ટ્રૅક્ટ રદ કરી નાખ્યો હતો.
તમીમ મૂળ બાંગલાદેશનો છે, પણ બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે. અદાલતના આદેશને પગલે ભંડારનાઇકે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતેથી ઇમિગ્રેશન અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. તેને 31મી મે સુધી કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો અદાલતે આદેશ આપ્યો હતો.
એપ્રિલમાં ઇમ્પિરિયલ સ્પોર્ટ્સ ગ્રૂપે દામ્બુલાના ફ્રૅન્ચાઇઝીને ખરીદ્યું હતું. કુસાલ મેંડીસ આ ટીમનો કેપ્ટન છે.
એલપીએલ પહેલી જુલાઈથી રમાવાની છે, પણ એ પહેલાં ફિક્સિંગ કરાવવાના પ્રયાસ બદલ તેમ જ સટ્ટો રમવા બદલ ટીમના માલિક રહમાનને પકડવામાં આવ્યો છે.
શ્રીલંકાની એક અદાલતે બિનસત્તાવાર લેજન્ડ્સ ક્રિકેટ લીગમાં મૅચ-ફિક્સિગં કરાવવાના આરોપસર બે ભારતીય નાગરિકો યૉની પટેલ તથા પી. આકાશને પાસપોર્ટ કોર્ટને સોંપી દેવાનો આદેશ આપ્યો હતો.