
ચેન્નઈઃ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચમાં કોલકાતાએ સનરાઈઝર્સને આઠ વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. 10 વર્ષ પછી કોલકાતા ચેમ્પિયન બન્યું કિંગ ખાનની જાણીતી ફિલ્મ બાજીગરમાંથી જાણે કોલકાતાની ટીમે શીખ લીધી હોય એમ ત્રણેક મેચમાં હાર્યા પછી જે રીતે બેઠી થઈ તે આખરે ચેમ્પિયન બની રાહતનો શ્વાસ લીધો છે. હરીફ ટીમના વિજય સાથે હૈદરાબાદની ટીમના ખેલાડીઓ નિરાશ થયા હતા, જ્યારે ટીમની ઓનર કાવ્યા મારન (SRH’s Owner Kavya Maran) પણ આંસુઓ રોકી શકી નહોતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતી.
આમ છતાં હવે નવા સમાચાર જાણવા મળી રહ્યા છે કે ટીમ હાર્યા પછી સનરાઈઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારન અચાનક ડ્રેસિંગ રુમમાં જઈને ખેલાડીઓની મહેનતને બિરદાવી હતી. ડ્રેસિંગ રુમમાં જઈને કહ્યું હતું કે તમે લોકોએ અમારું ગૌરવ વધાર્યું છે. આ સિઝનમાં તમે સૌને બતાવ્યું કે ટવેન્ટી-20 ક્રિકેટ કઈ રીતે રમી શકાય છે. દરેક લોકો આપણી વાત કરે છે. આજે આપણો દિવસ ખરાબ રહ્યો પણ તમે બધાએ સારું પ્રદર્શન કર્યું.
આ અગાઉની સિઝન કરતા પણ સારું પ્રદર્શન કર્યું તેમ જ પોઈન્ટ ટેબલમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ચાહકોએ પણ આપણને સૌને બહુ પ્રેમ આપ્યો. કેકેઆર ભલે ચેમ્પિયન બન્યું પણ તમામ લોકો ક્રિકેટ રમવાની આપણી રીતની વાત કરે છે. ડ્રેસિંગમાં રુમમાં પહોંચેલી કાવ્યા મારને ખેલાડીઓને હિંમત આપવાનું કામ કર્યું હતું. આમ છતાં હાર્યા પછી કાવ્યા આંસુઓને રોકી શકી નહોતી. પોતાના આંસુઓને છુપાવવા માટે કેમેરા સામેથી ફરી ગઈ હતી. ટીમની હાર પછી બહુ નિરાશ થયા બાદ એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ફાઈનલ મેચમાં ટીમના એક પણ બેટર કે બોલર સફળ રહ્યા નહીં.