બરાબર એક વર્ષ પછી લૉર્ડ્સમાં ભારતીય મહિલા ક્રિકેટરોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે, જાણો કઈ રીતે… | મુંબઈ સમાચાર

બરાબર એક વર્ષ પછી લૉર્ડ્સમાં ભારતીય મહિલા ક્રિકેટરોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે, જાણો કઈ રીતે…

લંડનઃ પુરુષોની ટેસ્ટ-ક્રિકેટનો આરંભ 1877ની સાલમાં (148 વર્ષ અગાઉ) થયો હતો, પરંતુ ક્રિકેટના મક્કા ગણાતા ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં સૌપ્રથમ ટેસ્ટ જુલાઈ, 1884માં રમાઈ હતી અને હવે એ જ ઐતિહાસિક સ્થળે મહિલાઓની (women’s) સૌપ્રથમ ટેસ્ટ-મૅચ રાખવાનું નક્કી થયું છે જેમાં યજમાન ઇંગ્લૅન્ડનો મુકાબલો ભારત સાથે થશે. આ જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે જુલાઈ, 2026માં લૉર્ડ્સમાં મહિલાઓની પહેલી ટેસ્ટ ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે રમાશે.

1884ની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક દાવ અને પાંચ રનથી હરાવ્યું હતું. હવે જુલાઈ, 2026માં મહિલાઓની સૌપ્રથમ ટેસ્ટમાં ભારત (India) અને ઇંગ્લૅન્ડમાંથી કોણ જીતશે એ જોવું રહ્યું. ભારત અને ઇંગ્લૅન્ડ (England)ની મહિલા ટીમ વચ્ચેની ટેસ્ટ મૅચ ચાર દિવસની હશે. ઇંગ્લૅન્ડમાં 12 જૂનથી પાંચમી જુલાઈ સુધી મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ત્યાર બાદ મહિલાઓની ઐતિહાસિક ટેસ્ટ લૉર્ડ્સમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે 2026ની મે-જૂન દરમ્યાન ભારતીય મહિલા ક્રિકેટરો ઇંગ્લૅન્ડમાં ટી-20 સિરીઝ પણ રમશે.દરમ્યાન 2026માં ભારતીય ક્રિકેટરોનો આખો જુલાઈ મહિનો ઇંગ્લૅન્ડમાં વીતશે, કારણકે એ મહિનામાં ભારતના ખેલાડીઓ બ્રિટિશરો સામે સૌથી પહેલાં તો પાંચ ટી-20 રમશે અને ત્યાર બાદ ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button