T20 world cup: લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો , જાણો કેમ થઇ રહી છે ચર્ચા
T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઇ ગયેલી ન્યુઝીલેન્ડ(New Zealand)ની ક્રિકેટ ટીમે તેની છેલ્લી મેચ પાપુઆ ન્યુ ગીની(Papua New Guinea) સામે ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા ક્રિકેટ એકેડમીના સ્ટેડિયમમાં રમી હતી. વરસાદના કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. મેચ શરૂ થાય એ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમ જીતે એવી શક્યતા વધુ હતી, અને બન્યું પણ એવું ન્યુઝીલેન્ડે પાપુઆ ન્યુ ગીનીને 7 વિકેટે હરાવ્યું છે. મેચનો સૌથી મોટો હીરો લોકી ફર્ગ્યુસન(Lockie Ferguson), તેણે કંઈક એવું કરી બતાવ્યું, જે આજ સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન હતું બન્યું.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને તેની ચાર ઓવરના સ્પેલમાં એક પણ રન ન આપ્યો, તે ઈનિંગની ચોથી ઓવરમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યો હતો. ફર્ગ્યુસને તેના પહેલા જ બોલ પર અસદ વાલાને આઉટ કર્યો હતો. આ પછી, તેણે છઠ્ઠી ઓવરમાં પણ કોઈ રન આપ્યો ન હતો. ત્યારબાદ તે 12 ઓવરમાં ફરી બોલિંગ કરવા આવ્યો અને એકપણ રન આપ્યા વિના એક વિકેટ લીધી. તેણે તેના સ્પેલની છેલ્લી ઓવરમાં બે રન આપ્યા પરંતુ તે બાયના હતા, બાય રન બોલરના ખાતામાં ઉમેરવામાં આવતા નથી, તે એક્સ્ટ્રા ગણવામાં આવે છે.
Read more: T20 World Cup: મારે કેપ્ટનપદે રહેવું કે નહીં એ ક્રિકેટ બોર્ડ નક્કી કરશે, હું નહીં: બાબર આઝમ
આ T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત અને T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર બીજી વખત બન્યું છે કે બોલરે સ્પેલની ચારેય ઓવરો ફેંક્યા પછી પણ એક પણ રન ન આપ્યો. કેનેડાના કેપ્ટન શાદ બિન ઝફર આ પહેલા આવું કરી ચુક્યો છે. 2021 માં પનામા સામેની મેચમાં, સાદે ચારેય ઓવર મેડન્સ ફેંકીને 2 વિકેટ લીધી હતી. આ પહેલા ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ઓછા ઈકોનોમી રેટનો રેકોર્ડ ટિમ સાઉથીના નામે હતો. ન્યુઝીલેન્ડની યુગાન્ડા સામેની છેલ્લી મેચમાં તેણે 4 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયેલા ફર્ગ્યુસને કહ્યું કે બેટિંગ કરવી મુશ્કેલ વિકેટ છે, આવી વિકેટ પર બોલિંગ કરવું સારું લાગે છે. આટલી મોટી અપેક્ષાઓ સાથે આજે (આ ટુર્નામેન્ટમાંથી) વિદાય લેતા દુઃખ થાય છે, પરંતુ આ રમત છે.
લોકી ફર્ગ્યુસને વધુમાં કહ્યું, પીચમાંથી મદદ મળી, સ્વિંગ પણ મળ્યો. આ વિકેટો પર સ્પર્ધાત્મક સ્કોરનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, અમે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે સારી બોલિંગ કરી પરંતુ તેમની સામે હારીને અમારું વર્લ્ડ કપ અભિયાન ખતમ થઈ ગયું.
પહેલા બેટિંગ કરતા પપુઆ ન્યુ ગિની માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ટીમના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા અને ચાર્લ્સ અમીનીએ સૌથી વધુ રન બનાવ્યા. તેણે 25 બોલમાં 17 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ જ્યારે ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ફિન એલન અને રચિન રવિન્દ્ર વહેલા આઉટ થઈ ગયા હતા, પરંતુ ડેવોન કોનવેએ 32 બોલમાં 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે અનુક્રમે 18 રન અને 19 રનની ઇનિંગ્સ રમી હતી.
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ટ્રેન્ટ બોલ્ટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ છેલ્લી મેચ હતી. તેની છેલ્લી મેચમાં તેણે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ ની ઇનિંગ્સના અંત પછી બોલ્ટે કહ્યું કે દેશ માટે રમવું તેના માટે હંમેશા ગર્વની વાત છે.