કોલકાતાની ધમાલ બાદ હવે મુંબઈમાં મેસીની રવિવારની ઇવેન્ટ યોજાશે?

વિરાટ કોહલી શું મેસીના કાર્યક્રમ માટે પત્ની અનુષ્કા સાથે લંડનથી ભારત પાછો આવ્યો છે?
મુંબઈઃ આર્જેન્ટિનાના વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસીની કોલકાતા (KOLKATA) શહેરની ટૂર આયોજકોની ગેરવ્યવસ્થાને લીધે સ્ટેડિયમમાં નારાજ અને ક્રોધિત પ્રેક્ષકોની ધમાલને પગલે ખોરવાઈ ગઈ ત્યાર બાદ હવે મુંબઈમાં રવિવાર, 14મી ડિસેમ્બરે બપોર પછી નિર્ધારિત ઇવેન્ટ યોજાશે કે કેમ એ વિશે શહેરના ફૂટબૉલપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. શું મુંબઈની ઇવેન્ટ રદ તો નહીં કરવામાં આવેને? એવો સવાલ મુંબઈના ફૂટબૉલ ક્ષેત્રે પૂછાઈ રહ્યો છે.
આનો જવાબ એ છે કે ચિંતાનું કોઈ જ કારણ નથી. મુંબઈ (Mumbai)ની ઇવેન્ટ યોજના પ્રમાણે યોજાશે જ. મુંબઈમાં મેસી બપોરે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)માં અને પછી વાનખેડે સ્ટેડિયમની ઇવેન્ટમાં હાજરી આપશે.
આ પણ વાંચો : GOAT India Tour 2025: કેમ Lionel Messiના ફેન્સ ભડક્યા? સ્ટેડિયમમાં કરી તોડફોડ, વીડિયો થયો વાઈરલ…
ત્યાર બાદ મુંબઈમાં રાત્રે એક ફૅશન શૉ યોજાશે જેમાં તે રૅમ્પ પર કૅટવૉક પણ કરશે અને વર્લ્ડ કપને લગતી તેની કેટલીક ચીજોની હરાજીમાં ઉપજનારી રકમ પછીથી આયોજકો દ્વારા જરૂરતમંદોને દાનમાં આપી દેવાશે. મેસી ત્રણ દિવસના ભારત-પ્રવાસ દરમ્યાન હૈદરાબાદ તથા દિલ્હી પણ જવાનો છે.
આ પણ વાંચો : મેસીએ માયામીને મેજર લીગ સૉકરનું ટાઇટલ અપાવ્યું
કોહલી ભારતમાં, મેસીને મળવાની તૈયારીમાં?
ભારતમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝને હજી લગભગ એક મહિનાનો સમય છે (11મી જાન્યુઆરીથી રમાવાની છે) એટલે વિરાટ કોહલી લંડનથી અત્યારે કેમ ભારત પાછો આવી ગયો એ વિશે તેના ચાહકોમાં ચર્ચા છે. જોકે કહેવાય છે કે ફૂટબૉલ-લેજન્ડ લિયોનેલ મેસી (Messi) પોતાના ઘરઆંગણે આવ્યો હોવાથી તેને મળવાનું વિરાટ કોહલીને મન થયું હોવાથી તે પત્ની અનુષ્કાને લઈને થોડા દિવસ માટે ભારત પાછો આવ્યો છે. જોકે કોહલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાનો હોવાથી એ પણ ભારતમાં પાછા આવવાનો તેનો એક ઈરાદો હોઈ શકે.



