મેસી મુંબઈમાં ક્રિકેટરો અને ઍક્ટરોની હાજરીમાં રૅમ્પ પર કરશે કૅટવૉક!

14મી ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા અને વાનખેડેમાં મેસીના કાર્યક્રમો પણ યોજાશે
મુંબઈઃ ફૂટબૉલના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી (MESSI) આ મહિને ભારતના પ્રવાસે આવી રહ્યો છે જેમાં મુંબઈની મુલાકાત દરમ્યાન તે અનેક સેલિબ્રિટીઝની હાજરીવાળી એક ઇવેન્ટમાં રૅમ્પ પર કૅટવૉક (CATWALK )કરશે. જોકે 14મી ડિસેમ્બરના રાતના કાર્યક્રમમાં તેનું આ કૅટવૉક એક વિશેષ ઑક્શન ઇવેન્ટ દરમ્યાન હશે અને એ કાર્યક્રમ દ્વારા ઊભું થનારું ભંડોળ પછીથી આયોજકો દ્વારા જરૂરતમંદોને દાનમાં આપી દેવામાં આવશે. આ ઇવેન્ટમાં જૅકી શ્રોફ, ટાઇગર શ્રોફ, જૉન અબ્રાહમ સહિતના બૉલીવૂડ ઍક્ટરો, સેલિબ્રિટી ક્રિકેટરો, સેલિબ્રિટી મૉડેલ તેમ જ અન્ય જાણીતી વ્યક્તિઓ હાજરી આપશે.
મેસીને 2022ના ફિફા વર્લ્ડ કપના આર્જેન્ટિનાના ચૅમ્પિયનપદ સાથે સંકળાયેલી કેટલીક યાદગાર ચીજો પોતાની સાથે લાવવાની આયોજકોએ વિનંતી કરી છે કે જેથી એ ચીજો મુંબઈની 14મી ડિસેમ્બરની રાતની ઇવેન્ટમાં તે પોતાની ટીમ સાથે લઈ આવે. એ ચીજોની હરાજી કરીને એના દ્વારા ઉપજનારું ફંડ પછીથી આયોજક સંસ્થા દ્વારા સમાજના ગરીબ અને કચડાયેલા વર્ગના લોકોમાં વહેંચવામાં આવશે. મુંબઈની આ ઇવેન્ટમાં મેસીનો ખાસ મિત્ર અને ઉરુગ્વેનો નિવૃત્ત ફૂટબોલર લુઇસ સુઆરેઝ પણ કૅટવૉક કરશે.
આ પણ વાંચો : મેસીએ માયામીને મેજર લીગ સૉકરનું ટાઇટલ અપાવ્યું
દરમ્યાન 14મી ડિસેમ્બરની મુંબઈની મુલાકાત દરમ્યાન બપોરે મેસી ચર્ચગેટ-સ્થિત ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયામાં પેડલ કપ નામની ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાર બાદ સાંજે 5.00 વાગ્યે ક્રિકેટ માટે જગવિખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં લગભગ ત્રણ કલાકની ઇવેન્ટ યોજાશે જેમાં સેલિબ્રિટી મૅચ રમાશે, મેસી ભારતના યુવા વર્ગના ફૂટબૉલ ખેલાડીઓને ટિપ્સ આપશે તેમ જ આ ઇવેન્ટમાં મ્યૂઝિક કૉન્સર્ટ પણ યોજાશે.
એ પહેલાં, મેસી શનિવારે કોલકાતા પહોંચશે જ્યાં તે પોતાના સૌથી મોટા સ્ટૅચ્યૂનું અનાવરણ કરશે. આ 70 ફૂટની પ્રતિમા છે જેનું મેસી (સલામતીના કારણસર) કોલકાતાની હોટેલમાંથી જ વર્ચ્યુઅલ ઓપનિંગ કરશે. આ પ્રસંગે કોલકાતામાં આર્જેન્ટિન-ઇન્ડિયન ફ્યૂઝન ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે તેમ જ ફૂટબૉલને લગતી અન્ય ઇવેન્ટ પણ રાખવામાં આવશે.



