GOAT India Tour 2025: કેમ Lionel Messiના ફેન્સ ભડક્યા? સ્ટેડિયમમાં કરી તોડફોડ, વીડિયો થયો વાઈરલ…

ફૂટબોલના દેવતા ગણાતા લિયોનેલ મેસી માટે GOAT India Tour 2025ની શરૂઆત ખાસ કંઈ સારી રહી હોય એવું લાગતું નથી. કોલકતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં માત્ર 10 મિનિટ માટે પહોંચ્યો હતો અને એને કારણે ફેન્સ ખાસ્સા નારાજ જોવા મળ્યા હતા. ફૂટબોલ લવર્સ પોતાના ફેવરેટ ખેલાડીને સરખી રીતે જોઈ પણ ના શક્યા, જેને કારણે તેમણે સ્ટેડિયમમાં ધમાચકડી મચાવી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો…
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર GOAT India Tour 2025 હેઠળ આ કાર્યક્રમ પોણા કલાકનો હતો, પરંતુ કોઈ કારણ અનુસાર મેસી 10 મિનિટમાં જ નીકળી જતાં તેના ફેન્સ ગુસ્સે ભરાયા હતા. પોતાના ફેવરેટ ખેલાડીને મનભરીને જોવાની વાત તો દૂર પણ એક આછી પાતળી ઝલક જોવા મળતાં ફેન્સે સ્ટેડિયમમાં રીતસરની તોડફોડ શરૂ કરી દીધી હતી. ફેન્સે મેસીની આ ટૂરના ખરાબ મેનેજમેન્ટના આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં કેટલાક લોકોએ ત્યાં સુધી કહ્યું હતું કે તેમને ખોટા વચનો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મેસીએ માયામીને મેજર લીગ સૉકરનું ટાઇટલ અપાવ્યું
ફૂટબોલ પ્રેમીઓએ પોતાના મનગમતા ફૂટબોલરને જોવા માટે મોંઘા ભાવે ટિકિટો ખરીદી હતી અને આવી સ્થિતિમાં માત્ર 10 મિનિટ માટે મેસીનું આવવું એ ફેન્સને તેમના પૈસા અને સમયનો વેડફાટ લાગ્યો હતો. એક ફેને જણાવ્યું હતું કે આ ઈવેન્ટ ખૂબ જ બિલકુલ બેકાર હતી અને તે માત્ર 10 મિનિટ માટે આવ્યો. તમામ નેતા અને પ્રધાનોએ તેમને ઘેરી લીધા હતા, જેને કારણે અમે તેમને જોઈ શક્યા નહોતા.
ગુસ્સે ભરાયેલા લોકોએ સ્ટેડિયમમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને તેમણે બોટલ જ્યાં ત્યાં ફેંકવાનું, સીટ તોડવાનું, સ્ટેડિયમમાં સાઈન બોર્ડ્સ અહીંયા ત્યાં ફેંકવાનું અને સ્ટેડિયમમાં ઉધમ મચાવી દીધો હતો. બેકાબુ થયેલી ભીડને કાબુ કરવામાં પ્રશાસન અને પોલીસ તંત્રને પારાવાર મહેનત કરવી પડી હતી. આ ઘટનાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મેસી પગના દુખાવા છતાં રમ્યો? ગોલ કર્યો, પણ બીજી ઘણી તક ગુમાવી
જોકે, આ આખા મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ લિયોનેસ મેસી અને તમામ ખેલપ્રેમીઓની માફી માંગી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને કારણે રાજ્યની ગરિમાને નુકસાન પહોંચ્યું છે. આ બાબતે તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતીની સ્થાપના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લિયોનેલ મેસીના ઈન્ડિયા ટૂરના સમાચાર સામે આવ્યા છે ત્યારથી આખા દેશમાં ફૂટબોલ ફીવર છવાયેલો છે. આજે શનિવારે જ્યારે મેસી કોલકતા અરપોર્ટ પર પહોંચ્યો ત્યારે શિયાળાની ઠંડી વચ્ચે પણ હજારોની સંખ્યામાં ફેન્સ આર્જેન્ટિનાના આ મહાન ખેલાડીનું સ્વાગત કરવા પહોંચી ગયા હતા. મેસી ત્રણ દિવસની GOAT India Tour 2025 પર છે અને આ ટૂર હેઠળ તે ચાર શહેરોમાં પ્રવાસ કરશે, જેમાં કોલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીનો સમાવેશ થાય છે.



