ટેસ્ટ મૅચની ટીમમાં લાઇનબંધ ઑલરાઉન્ડરો રખાય જ નહીંઃ મદન લાલ

કુંબલે અને વેન્કટેશ પ્રસાદે પણ ગંભીરના અભિગમને વખોડ્યો
નવી દિલ્હીઃ વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમનો 0-2થી વાઇટવૉશ થતાં ટીમ-મૅનેજમેન્ટ પર અને ખાસ કરીને ટીમના ખેલાડીઓની સિલેક્શનમાં ભૂમિકા ભજવનારાઓ પર પસ્તાળ પડી છે જેમાં વિશેષ કરીને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મદન લાલ, ભૂતપૂર્વ કૅપ્ટન અને સ્પિન-કિંગ અનિલ કુંબલેએ અને ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદે મંતવ્યો આપ્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો ટેસ્ટ શ્રેણીમાં 0-3થી પરાજય થયો હતો અને ત્યારે ઘરઆંગણે 12 વર્ષ સુધી અપરાજિત રહેવાની ભારતીય ટીમની પરંપરા તૂટી હતી. હવે વિશ્વવિજેતા સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ હોમ પિચો પર દરેક બાબતમાં (બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ) નબળી પુરવાર થઈ.
ભારતનો બીજી ટેસ્ટમાં 408 રનના માર્જિનથી પરાજય થયો હતો અને સૌથી મોટા માર્જિનથી હારવામાં ભારતનો આ નવો અનિચ્છનીય વિક્રમ છે. ઑસ્ટ્રેલિયા સામે 342 રનથી પરાજિત થવાનો 21 વર્ષ જૂનો રેકૉર્ડ વર્તમાન ટેસ્ટ ટીમે તોડ્યો છે.
ભારતની 1983 વર્લ્ડ કપ ટીમના મહત્ત્વના ખેલાડી મદન લાલે એએનઆઇને કહ્યું, ` આ તો ભારતનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું પતન કહેવાય. આપણી ટીમે બહુ ખરાબ પર્ફોર્મ કર્યું. હોમ-સિરીઝમાં આવો પર્ફોર્મન્સ ચાલે જ નહીં. આ પતન માટે બીજું કોઈ નહીં, ભારતીય ટીમ પોતે જ જવાબદાર છે.
ટેસ્ટ મૅચમાં મોટી સંખ્યામાં ઑલરાઉન્ડર્સની જરૂર જ ન હોય. સ્પેશ્યાલિસ્ટો જ હોવા જોઈએ. ઇલેવનમાં પાંચથી છ સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમેન, એક કે બે ઑલરાઉન્ડર અને ત્યાર બાદ સ્પેશ્યાલિસ્ટ બોલર્સને સમાવવા જોઈએ જેમાં પેસર અને સ્પિનર બન્ને હોય. બીજું મને એ નથી સમજાતું કે ઇંગ્લૅન્ડ ખાતેના તાજેતરના પ્રવાસમાં આપણી ટીમ સારું રમી હતી તો પછી એને જ કેમ ન જાળવી રાખવામાં આવી?’
ભારતે (India) સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ચાર ઑલરાઉન્ડર (રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ)ને અજમાવ્યા હતા. સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર્સે એકંદરે સારું પર્ફોર્મ કર્યું હતું, પરંતુ પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ રેડ્ડીની ટીમમાં હાજરી ચર્ચાસ્પદ થઈ છે.

1980ના દાયકામાં ઑલરાઉન્ડર્સની લાંબી કતાર
નવાઈની વાત એ છે કે 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ અને એની આસપાસના વર્ષોની વાત કરીએ તો ભારતીય ટીમમાં ઑલરાઉન્ડર્સ (All rounders)ની લાંબી કતાર રહેતી હતીઃ કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, રવિ શાસ્ત્રી, સંદીપ પાટીલ, કીર્તિ આઝાદ, મદન લાલ, રોજર બિન્ની વગેરે.
કુંબલેએ ગંભીરની ખામીઓ બતાવી
અનિલ કુંબલેએ હેડ-કોચ ગૌતમ ગંભીરની રણનીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. કુંબલેએ એક મુલાકાતમાં કહ્યું, ` ગંભીરના કોચિંગમાં ટીમમાં બહુ મોટી સંખ્યામાં અને વારંવાર ફેરફારો થતા જોવા મળ્યા છે. એકંદરે દરેક મૅચમાં નવો ખેલાડી જોવા મળે છે, વારંવાર બૅટિંગ-ઑર્ડરમાં ફેરફાર કરાયા અને દરેક બૅટિંગ ક્રમમાં નવા (અલગ) ઑલરાઉન્ડરને રમાડવાની કોશિશ કરવામાં આવી.

ગંભીર (Gautam Gambhir)ના કોચિંગમાં ભારત ગયા વર્ષના અંતે ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-3થી હાર્યું, ઑસ્ટ્રેલિયામાં 1-3થી પરાજય થયો અને હવે પચીસ વર્ષે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ભારતે 0-2થી હાર જોવી પડી. ટીમમાં અનુભવીઓ અને નવા ખેલાડીઓ વચ્ચે જે સંતુલન હોવું જોઈએ એ સાવ બગડી ગયું છે. એકસાથે આખી ટીમને કઈ રીતે ડેવલપ કરી શકાય? ટીમમાં 8-9 અનુભવી ખેલાડીઓ હોય તો 1-2 નવા પ્લેયર હોય તો ચાલે, પણ અત્યારે તો હાલત સાવ ઊલટી જ છે.’
પરિવર્તનના નામે શું ચાલી રહ્યું છે?: વેન્કટેશ
ભૂતપૂર્વ પેસ બોલર અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખપદ માટેની ચૂંટણી લડનાર વેન્કટેશ પ્રસાદે કહ્યું, ` ભારતનો ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો હાલનો અભિગમ જ મારી સમજની બહાર છે. ઑલરાઉન્ડર્સને ટીમમાં ભરવાનો અતિરેક જોવા મળ્યો છે. જેની પાસે (નીતીશ રેડ્ડી પાસે) બહુ બોલિંગ નથી કરાવી શકતા તો પછી ટીમમાં શુંકામ રાખો છો?
ઘરઆંગણે ત્રણ સિરીઝમાંથી બેમાં વાઇટવૉશ થયો. આ બહુ ખરાબ કહેવાય. હાલની ભારતીય ટીમમાં બૅટિંગના અનુભવનું નામનિશાન નથી. ટીમના પરિવર્તનના નામે આ બધુ શું ચાલી રહ્યું છે? સુદર્શન, જુરેલ અને નીતીશ રેડ્ડીને બાદ કરતા બાકીના ખેલાડીઓ 7-8 વર્ષથી ટીમ ઇન્ડિયામાં છે જેઓ અગાઉની ભૂલ પરથી શીખતા જ નથી. આ બહુ શરમજનક સ્થિતિ કહેવાય.’
આ પણ વાંચો…ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફયદો; ભારતનું રેન્કિંગ વધુ બગડશે?



