સૂર્યકુમારની જેમ 2021માં આ ભારતીય મહિલા ફીલ્ડરે અદ્ભુત કૅચ પકડ્યો હતો!
નવી દિલ્હી: ભારતના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓનું એવું માનવું છે કે શનિવારે સાઉથ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની 20મી ઓવરના પ્રથમ બૉલમાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો અદ્ભુત કૅચ ન પકડ્યો હોત તો ભારત હારી જ ગયું હોત. તેમનું માનવું ખોટું નથી, કારણકે પિંચ-હિટર અને મૅચ-ફિનિશર મિલરના એ કૅચને કારણે જ બાજી ફરી ગઈ હતી અને ભારત માટે વિજયનો માર્ગ મોકળો થઈ ગયો હતો. જોકે અહીં યાદ અપાવવાની કે ત્રણ વર્ષ પહેલાં ભારતની જ મહિલા ખેલાડી હર્લિન દેઓલે સૂર્યકુમાર જેવો જ કૅચ (સૂર્યાથી પણ ચડિયાતો કહી શકાય એવો ડાઇવિંગ કૅચ) પકડ્યો હતો.
બરાબર ત્રણ વર્ષ પહેલાં નૉર્ધમ્પ્ટનમાં રમાયેલી ટી-20 મૅચમાં હર્લિન દેઓલે ઇંગ્લૅન્ડની ઍમી જોન્સ (43 રન)નો આ ‘જગલિંગ બાઉન્ડરી કૅચ’ પકડ્યો હતો.
પેસ બોલર શિખા પાન્ડેના બૉલમાં ઍમીએ ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં બિગ શૉટ માર્યો હતો. બૉલ સીધો બાઉન્ડરી લાઇન તરફ ગયો હતો. હર્લિને પહેલા તો બૉલ ઝીલી લીધો હતો, પણ પોતે બાઉન્ડરી લાઇનને અડકી જશે અથવા એની બહાર જતી રહેશે તો કૅચ નહીં મનાય એવું ધારીને તેણે સમયસૂચકતા વાપરીને બૉલ હવામાં ઉછાળ્યો હતો, પોતે બાઉન્ડરી લાઇનની બહાર જતી રહ્યા બાદ મેદાનની અંદરની તરફ ડાઇવ મારીને તેણે પોતે જ હવામાં ઉછાળેલો બૉલ પકડી લીધો હતો.
એ કૅચનો ત્યારે થોડો વિવાદ થયો હતો. ઇંગ્લૅન્ડ તરફથી કહેવાયું હતું કે ઍમીને ખોટી રીતે આઉટ અપાઈ હતી, કારણકે હર્લિને બાઉન્ડરી લાઇનની બહારથી ડાઇવ મારતી વખતે બૉલ ઝીલ્યો ત્યારે બાઉન્ડરીની બહાર તેનો પગ જમીનને થોડો અડકેલો હતો. જોકે છેવટે આઇસીસીના નિયમ મુજબ હર્લિનનો એ કૅચ કાયદેસર ઘોષિત થયો હતો.
ઇંગ્લૅન્ડ સામેની એ ટી-20 મૅચ ભારત હારી ગયું હતું, પરંતુ બ્રિટિશ મહિલા ટીમ હર્લિનના એ કૅચને હજી નહીં ભૂલી હોય.