બાપ તેવો બેટો: જુનિયર સેહવાગનીપપ્પાની સ્ટાઇલમાં ફટકાબાજી

પીઢ બોલરની બોલિંગમાં ચોક્કા માર્યા
નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વીરેન્દર સેહવાગ નિવૃત્ત થયા બાદ લગભગ એક દાયકા પછી તેની અટક દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ફરી એક વખત ગૂંજી ઊઠી. આ વખતે તેનો દીકરો આર્યવીર સેહવાગ ઝળક્યો છે.
દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં આર્યવીર સેહવાગે (AARYAVIR SEHWAG) ખાસ કરીને પીઢ પેસ બોલર નવદીપ સૈનીની ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી.
આર્યવીરની ઈનિંગ્સ ટૂંકી હતી, પરંતુ તેણે સ્પર્ધાત્મક ટી-20 ક્રિકેટમાં પિતાની સ્ટાઈલમાં અસરદાર બૅટિંગથી પોતાની તાકાત કારકિર્દીની શરૂઆતમાં જ બતાવી દીધી છે.
આર્યવીરે પોતાના દાવની શરૂઆત થોડી ધીમી કરી હતી, પણ ત્રીજી ઓવરમાં તેણે નિર્ભય થઈને ચોક્કા (FOUR) માર્યા હતા. તેણે નવદીપ સૈની (SAINI)ની પહેલી ઓવરમાં બે ચોક્કા મારીને સૌને ચોંકાવી દીધા હતા. પહેલાં તેણે ડીપ એક્સ્ટ્રા કવરમાંથી બૉલને બાઉન્ડરી લાઈનની બહાર મોકલ્યો હતો અને થોડી વાર બાદ એક્સ્ટ્રા કવર તથા લોંગ ઑફ વચ્ચેના ગેપમાંથી બૉલને બાઉન્ડરી લાઈન તરફ મોકલી દીધો હતો.
Classy batting! Aaryavir Sehwag smashes consecutive fours.
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025
Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/08KwyxqPeK
આર્યવીરે આ શૉટ તેના પિતા વીરેન્દર સેહવાગની અસ્સલ સ્ટાઇલમાં જ માર્યા હતા. ખરેખર તો તે પોતાની ટીમ પરથી પ્રેશર ઓછું કરવા માગતો હતો. હરીફ ટીમના સ્પિનર રોનક વાઘેલાની એક ઓવરમાં પણ આર્યવીરે બે ફોર ફટકારી હતી.
જોકે પછીથી આર્યવીર એ જ બોલરના બૉલમાં બાવીસ રનના પોતાના સ્કોર પર કૅચઆઉટ થયો હતો, પરંતુ મેદાન પર તે પોતાની છાપ છોડતો ગયો હતો.
આર્યવીર સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ (6/155) વતી રમ્યો હતો અને આ મૅચ ઈસ્ટ દિલ્હી રાઇડર્સ (10/93) સામે રમાઈ હતી જેમાં સેન્ટ્રલ દિલ્હીનો 62 રનથી વિજય થયો હતો. સેન્ટ્રલ દિલ્હીને જિતાડવામાં યુગલ સૈની (બાવન રન) અને જસવીર સેહરાવત (37 રન)ના પણ મોટા યોગદાન હતા.
સેન્ટ્રલ દિલ્હીના ફ્રેન્ચાઇઝીએ આર્યવીર સેહવાગને હરાજીમાં આઠ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. થોડા સમય પહેલાં વિનુ માંકડ ટ્રોફીમાં આર્યવીરે 49 રન કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે કૂચ બિહાર ટ્રોફીની એક મૅચમાં મેઘાલય સામે 229 બોલમાં 200 રન ખડકી દીધા હતા જેમાં બે સિક્સર અને 34 ફોર સામેલ હતી. ત્યાર બાદ બીજા દિવસે તે ફક્ત ત્રણ રન માટે ટ્રિપલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ત્રણ સિક્સર અને 51 ફોરની મદદથી 309 બૉલમાં 297 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વીરેન્દર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર ભારતનો એકમાત્ર ખેલાડી છે.
આપણ વાંચો: સચિનને ત્યાં બાપ્પાનું આગમન: ચાહકોને મીડિયા પર આપી ગણેશોત્સવની શુભેચ્છા