ડિકી બર્ડ બૅટ્સમેનોને ` બેનિફિટ ઑફ ડાઉટ’ આપવા માટે જાણીતા હતા!

લંડનઃ ઇંગ્લૅન્ડના ખૂબ જાણીતા ક્રિકેટ અમ્પાયર અને સૌથી પ્રિય અમ્પાયરોમાં ગણાતા ડિકી બર્ડ (Dickie Bird)નું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. ક્રિકેટ જગતમાં ભલભલા ગે્રટ ખેલાડીઓ જેટલી જ લોકપ્રિયતા ધરાવતા આ મહાન અમ્પાયરે (umpire) કુલ 135 ઇન્ટરનૅશનલ મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. નિવૃત્તિ પહેલાં તેમને મહિલાઓની સાત વન-ડેમાં અમ્પાયરિંગ કરવાનો પણ અવસર મળ્યો હતો. ડિકી બર્ડ ખૂબ પૉપ્યુલર તો હતા જ, ખાસ કરીને બૅટસમેનોમાં ઘણા પ્રિય હતા. એનું કારણ એ છે કે ડિકી બર્ડ બૅટ્સમેનોને બેનિફિટ ઑફ ડાઉટ'ના નિયમનો લાભ અપાવવા માટે જાણીતા હતા. જોકે એક વખત ખુદ ડિકી બર્ડે જ કહ્યું હતું કે
ગૅરી સોબર્સ, વિવ રિચર્ડ્સ, ડેનિસ લિલી અને ઇયાન બૉથમ, આ તમામ મહાન ખેલાડીઓએ મને બેસ્ટ તરીકેનું રેટિંગ આપ્યું છે.’

બીજી રીતે કહીએ તો ઘણી વાર તેઓ લેગ બિફોર વિકેટ (એલબીડબ્લ્યૂ)ની અપીલ વખતે આંગળી ઊંચી કરતા ખચકાતા હતા અને એટલે જ કહેવાય છે કે બૅટ્સમેનોને તેમના હાથે ` બેનિફિટ ઑફ ડાઉટ’નો ફાયદો વારંવાર મળતો હતો. એવું પણ કહેવાય છે કે ડિકી બર્ડ જો આજના જમાનામાં અમ્પાયર હોત તો ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) હેઠળ થર્ડ અમ્પાયરને થતી અપીલની પદ્ધતિમાં ડિકી બર્ડના ઘણા નિર્ણયો નકારવામાં આવ્યા હોત.
છેલ્લી ટેસ્ટ ભારત સામે, કચવાતા મનથી આથર્ટનને એલબીડબ્લ્યૂ આપ્યો!
જૂન, 1996માં લૉર્ડ્સમાં ભારત સામે રમાયેલી ઇંગ્લૅન્ડની ટેસ્ટ અમ્પાયર તરીકે ડિકી બર્ડની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ હતી. તેમને એ મૅચ પહેલાં ` ગાર્ડ ઑફ ઑનર’ આપવામાં આવ્યું હતું અને એ સન્માન દરમ્યાન તેઓ આંખમાં આંસુ સાથે છેલ્લી વાર અમ્પાયરિંગ માટે સ્ટમ્પ્સની બાજુમાં આવીને ઊભા રહી ગયા હતા. ભારતે બૅટિંગ આપ્યા બાદ ઇંગ્લૅન્ડનું હજી ખાતું પણ નહોતું ખૂલ્યું ત્યાં જાવાગલ શ્રીનાથના બૉલમાં ઓપનર માઇક આથર્ટન (0) વિરુદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ થઈ હતી. આથર્ટન પ્લમ્બ એલબીડબ્લ્યૂ હતો અને અપીલ થતાં ડિકી બર્ડે આંગળી ઊંચી કરવી પડી હતી. ઑસ્ટ્રેલિયાના ડૅરેલ હેર એ મૅચના બીજા અમ્પાયર હતા અને ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની એ ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.

ડિકીની છેલ્લી, દ્રવિડ-ગાંગુલીની પ્રથમ
1996માં ડિકી બર્ડે જે અંતિમ ટેસ્ટમાં અમ્પાયરિંગ કર્યું હતું એ મૅચ ભારતના બે દિગ્ગજો રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીની સૌપ્રથમ ટેસ્ટ હતી. અપીલ વખતે સચોટ નિર્ણય આપવા માટે જાણીતા ડિકી બર્ડ ટેસ્ટ મૅચ વખતે વહેલી સવારે 6.00 વાગ્યે મૅચના સ્થળે આવી જતા હતા.
પિચ પર ગાવસકરના વાળ કાપેલાં!
1974માં ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ-ભારત ટેસ્ટ દરમ્યાન અમ્પાયર ડિકી બર્ડે મહાન ભારતીય ઓપનિંગ બૅટ્સમૅન સુનીલ ગાવસકરના પિચ પરની એક રમૂજી ઘટનામાં વાળ કાપ્યા હતા. ડિકી બર્ડ બૉલ પરની સીમ (દોરો) કાપવા માટે ખિસ્સામાં નાની કાતર રાખતા હતા. રમૂજી ઘટના એવી હતી જેમાં ડિકી બર્ડને લાગ્યું કે સની ગાવસકરના વાળ થોડા લાંબા હતા અને તેમની આંખ ઉપર આવી જતા હતા એટલે ડિકી બર્ડે તેમની પાસે પહોંચી ગયા અને થોડા હેર-કટ કર્યા હતા. ત્યારે મજાકમાં કહેવાતું કે ` અમ્પાયરોએ કઈ ચીજ પોતાના ખિસ્સામાં ખાસ રાખવી જોઈએ એ બધા સમજી ગયા હશે.’
આ પણ વાંચો : સૂર્યકુમારે બૅટિંગ કરવાનું ટાળીને ઠીક કર્યું હતું? ગાવસકર કહે છે કે…
ડિકીએ 3,300-પ્લસ રન કર્યા હતા
ડિકી બર્ડનું પૂરું નામ હૅરોલ્ડ ડેનિસ બર્ડ હતું. ડિકી તેમનું હુલામણું નામ હતું અને ` ડિકી બર્ડ’ તરીકે જગમશહૂર હતા. યૉર્કશર ક્રિકેટ ક્લબે મંગળવારે તેમના વિશેના દુઃખદ સમાચારને પુષ્ટિ આપી હતી. મૂળ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન ડિકી બર્ડ ઇંગ્લૅન્ડ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતા રમ્યા, પરંતુ તેમણે 93 ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં બે સેન્ચુરી અને 14 હાફ સેન્ચુરીની મદદથી 3,300થી પણ વધુ રન કર્યા હતા જેમાં અણનમ 181 રન હાઇએસ્ટ હતા.

ત્રણ વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ
ક્રિકેટ જગતના દિગ્ગજ અમ્પાયરોમાં ગણાતા ડિકી બર્ડે ત્રણ વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેઓ ખેલદિલી, વિનમ્રતા અને ખુશમિજાજ માટે જાણીતા હતા.
ડિકી બર્ડ-ડેવિડ શેફર્ડની જોડી હતી
એક સમય હતો જ્યારે ડિકી બર્ડ અને ઇંગ્લૅન્ડના જ ડેવિડ શેફર્ડનું ક્રિકેટના મેદાન પર અમ્પાયર્સમાં પ્રભુત્વ હતું. શેફર્ડ મેદાનમાં સ્કોર 111 રન બનતાં એક પગ ઊંચો કરીને ` નેલ્સન’નો સંકેત આપવા માટે જાણીતા હતા. તેઓ એ આંકડાને અનલકી માનતા હતા. શેફર્ડનું 2009ની સાલમાં 68 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. 16 વર્ષ બાદ તેમના સાથી અમ્પાયર ડિકી બર્ડે વિદાય લીધી છે.
15 વર્ષની વયે ઘૂંટણમાં ઑપરેશન, ફૂટબૉલર બનવાનું સપનું તૂટ્યું
ડિકી બર્ડે થોડા સમય પહેલાં આત્મકથામાં લખ્યું હતું કે તેઓ ફૂટબૉલ રમીને ખેલકૂદ જગતમાં સફળ થવા માગતા હતા, પરંતુ 15 વર્ષની ઉંમરે તેમણે ઘૂંટણમાં ઑપરેશન કરાવવું પડ્યું હતું જેને લીધે ફૂટબૉલર બનવાનું તેમનું સપનું તૂટી ગયું હતું અને તેઓ ક્રિકેટર બન્યા હતા. તેઓ 1956થી 1964 દરમ્યાન પ્રથમ કક્ષાની મૅચો રમ્યા હતા અને પછીથી અમ્પાયર બન્યા હતા. 1970માં તેમણે અમ્પાયર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. આંતરરાષ્ટ્રીય ફલક પર અમ્પાયર તરીકેની તેમની કરીઅર 1996માં પૂરી થઈ હતી. ડિકી બર્ડે અમ્પાયર તરીકે રિટાયરમેન્ટ લીધું ત્યાર બાદ ડિનર ટૉક તથા ચૅટ શૉ પછીના મનોરંજક ક્વિઝ સેશન માટે જાણીતા હતા.