છેલ્લા બૉલમાં હોલ્ડરની ફોરઃ વેસ્ટ ઇન્ડિઝ જીત્યું, પાકિસ્તાનની શર્મનાક હાર થઈ

લૉડરહિલ (અમેરિકા): છેલ્લા બૉલ પર ચોક્કો કે છગ્ગો ફટકારીને પોતાની ટીમને વિજય અપાવવામાં આવ્યો હોય એવી મૅચોની વાત નીકળે તો સૌથી પહેલાં જાવેદ મિયાંદાદ અને ચેતન શર્મા વચ્ચેનો શારજાહનો મુકાબલો યાદ આવી જાય, પણ શનિવારે અહીં લગભગ એવું જ બન્યું અને આ વખતે પાકિસ્તાન ઝપટમાં આવી ગયું હતું.
એના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની હાલત ચેતન શર્મા જેવી થઈ હતી. ફરક માત્ર એટલો છે કે ચેતનના બૉલમાં મિયાંદાદે વિનિંગ-સિક્સર ફટકારી હતી, જ્યારે શનિવારે આફ્રિદીના બૉલમાં જેસન હોલ્ડરે વિનિંગ-ફોર મારીને વેસ્ટ ઇન્ડિઝને રોમાંચક બે વિકેટના માર્જિનથી વિજય અપાવ્યો હતો અને પાકિસ્તાની ટીમના નામે રોમાંચક અને શર્મનાક હાર લખાઈ ગઈ હતી. સલમાન આગાની ટીમ અંતિમ બૉલમાં પરાજિત થઈ હતી.
આપણ વાંચો: T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
સિરીઝ 1-1ની બરાબરીમાં
જેસન હોલ્ડરે (Jason Holder) કૅરિબિયન ઇનિંગ્સની અગાઉ 19 રનમાં ચાર વિકેટ લઈને પાકિસ્તાનને 9/133 સુધી સીમિત તો રખાવ્યું જ હતું, પછીથી તેણે 10 બૉલમાં એક સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 16 રન કરીને વેસ્ટ ઇન્ડિઝને જિતાડીને ત્રણ મૅચની ટી-20 સિરીઝને 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી.
પાકિસ્તાને (Pakistan) ટૉસ જીત્યા પછી બૅટિંગ પસંદ કરી હતી, પણ એકેય હાફ સેન્ચુરી વગર પાકિસ્તાનનો સ્કોર 20 ઓવરને અંતે 9/133 રહ્યો હતો. હોલ્ડરની ચાર વિકેટ ઉપરાંત ગુડાકેશ મૉટીએ બે વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડિઝે (West Indies) જીતવા 134 રન કરવાના હતા. શાઈ હોપની ટીમમાં પણ એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ. ગુડાકેશના 28 રન ટીમમાં હાઈએસ્ટ હતા.
આપણ વાંચો: T20 World Cup: ન્યૂ યૉર્કમાં પાકિસ્તાની ટીમની રોજની 85 મિનિટ બચી ગઈ, જાણો કેવી રીતે…
આફ્રિદીની 20મી ઓવરમાં શું બન્યું?
19મી ઓવરને અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 7/126 હતો અને અંતિમ ઓવરમાં જીતવા તેમણે આઠ રન કરવાના હતા. કૅપ્ટન સલમાન આગાએ શાહીન આફ્રિદીને તેની ચોથી અને છેલ્લી (મૅચની અંતિમ) ઓવર માટે બોલાવ્યો હતો. પ્રથમ બૉલમાં હોલ્ડર એક રન દોડ્યો હતો, બીજા બૉલમાં શેફર્ડની વિકેટ પડી હતી.
ત્રીજા બૉલમાં શમાર જોસેફ એક રન દોડ્યો અને ચોથા બૉલમાં હોલ્ડરે પણ એક રન લીધો હતો. પાંચમા બૉલમાં શમાર ફરી એક રન દોડ્યો, પણ છઠ્ઠો બૉલ વાઇડ પડ્યો હતો. હોલ્ડર ક્રીઝમાં હતો. કુલ પાંચ રન બની ચૂક્યા હતા અને અંતિમ બૉલમાં હોલ્ડરે ત્રણ રન કરવાના હતા.
હોલ્ડરે એ આખરી બૉલમાં ફોર ફટકારીને વેસ્ટ ઇન્ડિઝને થ્રિલરમાં વિજય અપાવીને અભૂતપૂર્વ સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. હોલ્ડરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે 0-5થી હારી જતાં પાકિસ્તાન સામેની આ જીત એના માટે યાદગાર હતી.