લૅન્ડો નૉરિસે સાથી-રેસરને પાછળ રાખીને ઑસ્ટ્રિયા ગ્રાં પ્રિ એફ-વન રેસ જીતી લીધી...

લૅન્ડો નૉરિસે સાથી-રેસરને પાછળ રાખીને ઑસ્ટ્રિયા ગ્રાં પ્રિ એફ-વન રેસ જીતી લીધી…

સ્પિલબર્ગ (ઑસ્ટ્રિયા): પચીસ વર્ષના બ્રિટિશ કાર રેસર લૅન્ડો નૉરિસે અહીં રવિવારે ફૉર્મ્યુલા-વન રેસ ભારે રસાકસી વચ્ચે જીતી લીધી હતી. તેણે ઑસ્ટ્રિયા ગ્રાં પ્રિ (Austria Grand Prix) એફ-વન રેસમાં તેના જ સાથી રેસર ઑસ્કર પિઍસ્ટ્રી (piastri)ને પાછળ રાખીને આ સ્પર્ધા જીતી લીધી હતી. બન્નેએ મૅકલારેન-મર્સિડિઝ ટીમ વતી આ સર્વોત્તમ કાર-રેસમાં ઝુકાવ્યું હતું અને એમાં નૉરિસ મેદાન મારી ગયો હતો.

નૉરિસે (Norris) રેસ પૂરી કરવામાં એક કલાક 23 મિનિટ અને 47.693 સેકન્ડનો સમય લગાડ્યો હતો, જ્યારે તેની જ ટીમના સાથી-રેસર ઑસ્કરે નૉરિસ કરતાં 2.695 સેકન્ડનો વધુ સમય એ રેસ પૂરી કરવામાં લીધો હતો. નૉરિસને સૌથી વધુ પચીસ પૉઇન્ટ અને ઑસ્કરને 18 પૉઇન્ટ મળ્યા હતા.

નૉરિસ બ્રિટનનો અને ઑસ્કર ઑસ્ટ્રેલિયાનો છે. મૉનાકોનો ચાર્લ્સ લકલક ત્રીજા સ્થાને રહ્યો હતો. તેને રેસ પૂરી કરવામાં નૉરિસ કરતાં 19.820 સેકન્ડનો વધુ સમય લાગ્યો હતો. એક તબક્કે નૉરિસ કરતાં ઑસ્કર રેસમાં આગળ હતો, પણ નૉરિસે તેને પાછળ રાખી દીધો ત્યાર બાદ ઑસ્કરની રેસિંગ કાર ફ્રાન્કો કૉલાપિન્ટોની કાર સાથે અથડાયા પછી ઘાસમાં ઉતરી ગઈ હતી. જોકે ઑસ્કર પાછો રેસમાં આવી ગયો હતો અને બીજા નંબરે રહ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button