શ્રીસાન્તની પત્ની કેમ આટલી બધી ગુસ્સે થાય છે એ જ નથી સમજાતુંઃ લલિત મોદી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

શ્રીસાન્તની પત્ની કેમ આટલી બધી ગુસ્સે થાય છે એ જ નથી સમજાતુંઃ લલિત મોદી

લંડનઃ 2008ની આઇપીએલ દરમ્યાન હરભજન સિંહે એસ. શ્રીસાન્તને એક મૅચ બાદ થપ્પડ મારી દીધી હતી એ 18 વર્ષ જૂના કિસ્સાને આઇપીએલના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી (Lalit Modi)એ એક વીડિયો અને ફોટોના નામે ફરી ઉખેડ્યો એ સામે શ્રીસાન્ત (SREESANTH)ની પત્ની ભુવનેશ્વરીએ સોશ્યલ મીડિયામાં લલિત મોદીની તેમ જ તેનો ઇન્ટરવ્યૂ લેનાર માઇકલ ક્લાર્કની જે ટીકા કરી એને પગલે લલિત મોદીએ ભુવનેશ્વરી (BHUVANESHWARI)ને મીડિયામાં જવાબ આપતી ટિપ્પણી કરી છે.

શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ લલિત મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા શ્રીસાન્તના માનભંગવાળા વીડિયોના ફૂટેજ વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આપેલી પ્રતિક્રિયામાં કહ્યું છે કે ` લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, તમે બન્ને શરમ કરો. તમારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? માત્ર સસ્તી પબ્લિસિટી માટે અને લોકોના મંતવ્યો જાણવા 18 વર્ષ જૂનો કિસ્સો પાછો ઉખેડ્યો છે.

આપણ વાંચો: લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, શરમ કરોઃ શ્રીસાન્તની પત્ની

શ્રી અને હરભજન, બન્ને જણ એ કિસ્સાને ક્યારનાયે ભૂલી ગયા છે. શ્રી અને હરભજન પિતા બની ગયા છે અને તમે બન્ને જણ (લલિત મોદી અને ક્લાર્ક) તેમના જૂના જખમની ફરી વાત લઈને બેઠા છો. તમે બન્નેએ આ બહુ ખરાબ કર્યું. તમારામાં દિલ જેવું કંઈ છે કે નહીં? 2008ના કિસ્સાને ફરી ચગાવવામાં આવ્યો એની અમારા પરિવાર પર માઠી અસર થઈ છે.

જીવનના કપરા સંજોગોને વિસરીને શ્રી હવે માનભેર જિંદગી માણી રહ્યા છે. તેની પત્ની અને તેના સંતાનોની માતા તરીકે મને આ 18 વર્ષ જૂની ઘટના કારણ વગર ફરી ચગાવવામાં આવતાં ખૂબ દુઃખ થયું છે.

તમે લોકોના પ્રતિભાવ મેળવી શકો એટલે જૂનો કિસ્સો પાછો ઉખેડ્યો અને અમારા પરિવારને આઘાત આપ્યો. તમારા આ અભિગમથી બન્ને ખેલાડી પર નહીં, પણ તેમના નિર્દોષ બાળકોના માનસ પર અવળી અસર થાય. હવે આ બાળકોએ કારણ વિના લોકોના સવાલના જવાબ આપવા પડશે.’

આપણ વાંચો: બે ભાગેડુઓ એક સાથે! એક પાર્ટીમાં લલિત મોદી અને વિજય માલ્યા સાથે ગીત ગાતા જોવા મળ્યા

લલિત મોદીએ હવે ભુવનેશ્વરીની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યો છે. લલિત મોદીએ જણાવ્યું છે કે ` મૅચ પછી બ્રૉડકાસ્ટિંગ કંપનીના કૅમેરા બંધ થઈ ગયા બાદ મારા સિક્યૉરિટી કૅમેરામાં શ્રીસાન્ત-ભજ્જીવાળી ઘટનાની પળો કેદ થઈ ગઈ હતી. એ ફૂટેજ અત્યાર સુધી ક્યારેય સોશ્યલ મીડિયાના કોઈ પણ પ્લૅટફૉર્મ પર નહોતા મૂકવામાં આવ્યા.’

લલિત મોદીએ આઇએએનએસને વધુમાં કહ્યું છે કે ` મને એ નથી સમજાતું કે તે (શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરી) શા માટે આટલો બધો ગુસ્સો કરી રહી છે. ઇન્ટરવ્યૂ (Interview)માં મને સવાલ પૂછાયો અને મેં સત્ય શૅર કર્યું.

એમાં મેં ખોટું શું કર્યું? હું સાચું જ બોલું છું એ સૌ કોઈ જાણે છે. શ્રી ત્યારે એ વર્તનનો શિકાર થયો હતો એવું જ મેં કહ્યું છે. આ સવાલ અગાઉ કોઈએ મને નહોતો પૂછ્યો અને હવે જ્યારે માઇકલ ક્લાર્કે મને એ ઘટના બાબતમાં પૂછ્યું તો મેં તેને વિગતે વાત કરી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button