લલિત મોદીએ ઇંગ્લૅન્ડની જાણીતી લીગ વિશે ચોંકાવનારું નિવેદન આપી દીધું!
લંડન: ક્રિકેટજગતની સૌથી સફળ ટી-20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો ક્ધસેપ્ટ 2008માં ક્રિકેટજગત સમક્ષ લાવનાર લલિત મોદીએ કહ્યું છે કે ‘ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ‘ધ હન્ડ્રેડ’ નામના પોતાના પ્રિય પ્રૉજેક્ટની નફાશક્તિને લગતા જે આર્થિક અંદાજો બતાવ્યા છે એ વાસ્તવિકતાથી ખૂબ દૂર છે.’
ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડને આશા છે કે મોટા ગજાના ભારતીય ઇન્વેસ્ટરો (વિશેષ કરીને આઇપીએલની ટીમોના માલિકો)એ અન્ય દેશોની લીગની ટીમો ખરીદી એમ ધ હન્ડ્રેડમાં પણ રસ બતાવશે.
જોકે વર્ષોથી ઇંગ્લૅન્ડમાં રહેતા આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીના ટ્વીટ બતાવે છે કે ધ હન્ડ્રેડ લીગના એકેય ફ્રૅન્ચાઇઝીનું મૂલ્ય એક અબજ ડૉલર તો જવા દો, 50 લાખથી 250 લાખ પાઉન્ડ વચ્ચે પણ ન થઈ શકે. લલિત મોદીના મતે ‘ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના વર્ષ 2026 પછીના આર્થિક અંદાજો વધુ પડતા આશાવાદી જણાય છે અને એ જરાય વાસ્તવિક નથી.’
આઠ ટીમ વચ્ચેની ‘ધ હન્ડ્રેડ’ સ્પર્ધા દર વર્ષે રમાય છે. એમાં પ્રત્યેક ટીમની ઇનિંગ્સ 100 બૉલની હોય છે. દરેક દાવ 65 મિનિટનો હોય છે.
ભૂતકાળમાં લલિત મોદીએ ‘ધ હન્ડ્રેડ’ સ્પર્ધાને એક અબજ ડૉલરમાં ખરીદવાની ઇચ્છા બતાવી હતી. જોકે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે કોઈ જ તૈયારી નહોતી બતાવી.
આઇપીએલ ‘લલિત મોદીઝ બૅબી’ તરીકે ઓળખાય છે. મોદીના મતે ‘ધ હન્ડ્રેડ’ સ્પર્ધા વેસ્ટ ઇન્ડિઝની કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) જેટલી કમાણી પણ કરી શકે એમ નથી.