બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં પહેલવહેલો ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. લક્ષ્ય સેન સેમિ ફાઇનલમાં ડેન્માર્કના ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી હારી ગયો હતો. જોકે લક્ષ્યને હજી ત્રીજા સ્થાન માટેનો મુકાબલો જીતીને બ્રૉન્ઝ મેડલ મેળવી નવો ઇતિહાસ સર્જવાનો મોકો છે.
બાવીસ વર્ષનો લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-ટૂ ઍક્સલસન સામે 20-22, 14-21થી પરાજિત થયો હતો.
ઉત્તરાખંડના અલ્મોડાનો લક્ષ્ય સેન બાવીસ વર્ષનો છે. તે 2021માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પ્રથમ ગેમમાં ત્રણ પૉઇન્ટથી આગળ રહ્યા પછી પણ એ ગેમમાં પરાજિત થયો હતો. બીજી ગેમમાં લક્ષ્ય 7-0થી આગળ હતો, પરંતુ વિક્ટરે ત્યાં સુધીમાં તેની ગેમ બરાબર જાણી લીધી હતી અને જોરદાર કમબૅક કરીને તેને એ ગેમમાં પણ હરાવી દીધો હતો.
આ પણ વાંચો : લક્ષ્ય સેને ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ
બે વખતે વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વિક્ટરે લક્ષ્યને 54 મિનિટમાં હરાવ્યો હતો.
લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ માટેની પ્લે-ઑફ મૅચમાં મલેશિયાના લી જિ જિઆ સામે રમવાનું છે.
બૅડમિન્ટનમાં ભારત ક્યારેય ગોલ્ડ મેડલ નથી જીત્યું. પીવી સિંધુ 2016ની રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ પહેલાં, સાઇના નેહવાલ 2012ની લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતી હતી.