1,000 મજૂરની મદદથી 1800 કરોડના ખર્ચે લાહોરનું સ્ટેડિયમ બન્યું, પણ પાકિસ્તાનને એકેય મૅચ ન રમવા મળી!

લાહોરઃ પાકિસ્તાનને ત્રણ દાયકા બાદ પહેલી વાર ઘરઆંગણે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો મોકો મળ્યો જે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારના વિવિધ વિભાગોએ લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ રિનોવેટ કરવા માટે કુલ મળીને 1,000 જેટલા અધિકારીઓ-મજૂરોને કામે લગાડ્યા હતા તેમ જ 117 દિવસ સુધી ચાલેલા કામકાજમાં કુલ 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લાહોરમાં એક પણ મૅચ ન રમવા મળી.
પાકિસ્તાનની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની હાર પછી ભારત સામેના રવિવારના પરાજયને પગલે સ્પર્ધાની બહાર થઈ ગઈ છે અને હવે ત્રીજી તથા છેલ્લી લીગ મૅચ આવતી કાલે બાંગ્લાદેશ સામે રમશે.
મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ જો સેમિ ફાઇનલમાં પહોંચી હોત તો એ મૅચ લાહોરના આ સ્ટેડિયમમાં રમાઈ હોત, પણ પાકિસ્તાન નૉકઆઉટ રાઉન્ડ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગયું અને હવે લાહોરમાં જે કોઈ સેમિ ફાઇનલ રમાશે એમાં પાકિસ્તાનની ટીમ નહીં હોય. એ જોતાં, લાહોરમાં બીજા બે દેશ વચ્ચેની સેમિ ફાઇનલ જોવા કેટલા પ્રેક્ષકો આવશે એ સવાલ છે.
આ પણ વાંચો…ભારતે પાકિસ્તાનની ટીમને બહાર બોલાવી અને ચીંથરેહાલ કરીને પાછી મોકલી!: હજી પણ ટીકાનો વરસાદ ચાલુ છે
પાકિસ્તાનની ટીમ 19મી ફેબ્રુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ મૅચ કરાચીમાં રમી. ભારત સામેની એની મૅચ દુબઈમાં રમાઈ અને હવે આવતી કાલે અંતિમ લીગ મૅચ રાવલપિંડીમાં રમાવાની છે. એમાં લાહોરના સ્ટેડિયમનો તો પાકિસ્તાનની ટીમને લાગેવળગે છે ત્યાં સુધી એકડો જ નીકળી ગયો.
લાહોરનું સ્ટેડિયમ ઉતાવળે તૈયાર થયું ત્યારે પાકિસ્તાન બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ રિનોવેટ કરવા 1,300 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જોકે પછીથી ખર્ચ વધી ગયો અને 1,800 કરોડ સુધી પહોંચી ગયો હતો.