લેવાન્ડૉવ્સ્કી અને યમાલે ઍમ્બપ્પેની યાદગાર મૅચ બગાડી, જાણો કેવી રીતે…
બાર્સેલોના: ફ્રાન્સનો વર્લ્ડ કપ રનર-અપ ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પે તાજેતરમાં જ સ્પેનની રિયલ મૅડ્રિડ ટીમમાં જોડાયો અને શનિવારે તે પહેલી જ વાર ‘ક્લાસિકો’ મુકાબલામાં રમ્યો હતો જેમાં તેણે પરાજય જોવો પડ્યો હતો. રોબર્ટ લેવાન્ડૉવ્સ્કી અને 17 વર્ષના ખેલાડી લેમિન યમાલના ગોલની મદદથી બાર્સેલોનાએ રિયલ મૅડ્રિડને 4-0થી હરાવી દીધું હતું.
આ પણ વાંચો : મેસી પહેલી જ પ્લે-ઑફમાં ગોલ ન કરી શક્યો એમ છતાં ઇન્ટર માયામીની ટીમ…
‘ક્લાસિકો’ મૅચ એટલે સ્પેનની ટોચની બે ફૂટબૉલ ક્લબ બાર્સેલોના તથા રિયલ મૅડ્રિડની ટીમ વચ્ચેની ટક્કર. ઍમ્બપ્પેની આ પહેલી જ ‘ક્લાસિકો’ મૅચ હતી જેમાં બાર્સેલોનાના સર્વોત્તમ ખેલાડી લેવાન્ડૉવ્સ્કીએ બે ગોલ કર્યા હતા તથા યમાલે એક ગોલ કરીને અનોખો વિક્રમ રચ્યો હતો.
‘ક્લાસિકો’ મુકાબલામાં યમાલ ગોલ કરનાર સૌથી યુવાન ખેલાડી બન્યો હતો. યમાલે શનિવારે 17 વર્ષ અને 105 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. તેની જ ટીમના અન્સુ ફૅટીએ ઑક્ટોબર 2020માં ‘ક્લાસિકો’માં ગોલ કર્યો ત્યારે તેની ઉંમર 17 વર્ષ અને 355 દિવસ હતી.
લેવાન્ડૉવ્સ્કીએ ઉપરાઉપરી બે ગોલ (54 તથા 56મી મિનિટમાં) કર્યા હતા. ત્યાર બાદ ત્રીજો ગોલ યમાલે 77મી મિનિટમાં અને ચોથો ગોલ રાફિન્યાએ 84મી મિનિટમાં કર્યો હતો.
આ પણ વાંચો : જોવા જેવો ગોલ…અમેરિકી ખેલાડીની આ કૉર્નર કિકથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચી ગઈ છે!
બાર્સેલોનાની આ જીત ત્રણ જ દિવસ પહેલાંની તેની ચૅમ્પિયન્સ લીગમાંની શાનદાર જીતના ત્રણ જ દિવસ બાદ નોંધાઈ છે. ચૅમ્પિયન્સ લીગમાં બાર્સેલોનાએ બાયર્ન મ્યુનિકને 4-1થી હરાવ્યું હતું. બાર્સેલોનાએ છેલ્લી પાંચ મૅચમાં 21 ગોલ કર્યા છે, જ્યારે એની સામે ફક્ત બે ગોલ થયા છે.