ટેનિસની મૅચમાં પુરુષ વિરુદ્ધ મહિલા પ્લેયરનો મુકાબલો, હસતાં-રમતાં અને ડાન્સ કરતા રમ્યાં…

દુબઈઃ ટેનિસની મૅચમાં પુરુષ અને મહિલા હરીફ ખેલાડી વચ્ચે મુકાબલો થાય એ આશ્ચર્ય તો કહેવાય જ, પણ દુબઈમાં રવિવારે આવી એક મૅચ બે જાણીતા ખેલાડી વચ્ચે રમાઈ ગઈ. આ ટક્કર એક સમયના 13મી રૅન્કના પુરુષ ખેલાડી ઑસ્ટ્રેલિયાના નિક કીર્ગિયોસ અને વર્લ્ડ નંબર-વન મહિલા ખેલાડી બેલારુસની અરીના સબાલેન્કા (Sabalenka) વચ્ચે થઈ હતી. આ પ્રદર્શનીય મૅચ હતી અને એમાં કીર્ગિયોસનો 6-3, 6-3થી વિજય થયો હતો.
બન્ને ખેલાડીએ ` બૅટલ ઑફ ધ સેક્સીસ’ના બૅનર હેઠળ રમાયેલી આ એક્ઝિબિશન મૅચને ખૂબ હળવાશથી લીધી હતી. બન્ને પ્લેયર રમતાં-રમતાં ખૂબ હસ્યાં હતાં તેમ જ હળવી મજાક-મસ્તી કરીને પ્રેક્ષકોને પણ હસાવ્યા હતા. ક્યારેક તેમણે ગેમની શરૂઆતમાં અન્ડર-આર્મ સર્વિસ કરી હતી.
સિંગલ્સના ચાર ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી વિશ્વની હાલની સર્વોચ્ચ ખેલાડી સબાલેન્કા ક્યારેક ટાઇમઆઉટ વખતે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. જોકે કીર્ગિયોસ જીત્યો ત્યારે પસીને રેબઝેબ હતો. બન્ને જણ છેલ્લે રમ્યા પછી હસતાં-હસતાં એકબીજાને ભેટ્યા હતા. 1973માં પણ આવી એક મૅચ રમાઈ હતી જેમાં મહિલા ટેનિસ-લેજન્ડ બિલી જીન કિંગે બૉબી રિગ્સનો સામનો કર્યો હતો.
30 વર્ષનો કીર્ગિયોસ (Kyrgios) સિંગલ્સના એક પણ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ નથી જીત્યો. જોકે 2022ની વિમ્બલ્ડનમાં તેણે ફાઇનલમાં એ સમયના સર્વોત્તમ ખેલાડી નોવાક જૉકોવિચને જોરદાર લડત આપી હતી અને જૉકોવિચે એ ફાઇનલ 4-6, 6-3, 6-4, 7-3થી જીતી લીધી હતી.

દુબઈમાં કીર્ગિયોસ-સબાલેન્કાની 17,000 પ્રેક્ષકોએ જોઈ હતી. સૌથી મોંઘી ટિકિટ 800 ડૉલર (આશરે 72,000 રૂપિયા)ની હતી. કીર્ગિયોસ કાંડા અને ઘૂંટણની ઈજાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં બહુ ઓછું રમ્યો છે. કીર્ગિયોસ-સબાલેન્કાની એક જ એજન્સી છે અને ખુદ તેમણે આ મૅચ ગોઠવી હતી.
આ પણ વાંચો…45 વર્ષની જાણીતી ટેનિસ ખેલાડી ઉંમરમાં આઠ વર્ષ નાના ઍક્ટર સાથે કરશે લગ્ન…



