કાઇલ વેરેનીનો અફલાતૂન ડાઇવિંગ કૅચ, ઍલેક્સ કૅરીએ `ઝાડુ’ મારવા જતાં ગુમાવી વિકેટ

લંડનઃ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની જે ફાઇનલ શરૂ થઈ એમાં પ્રારંભિક બૅટિંગ કરતાં બોલિંગમાં વધુ સારી સફળતાઓ જોવા મળી હતી, એ ઉપરાંત ફીલ્ડિંગમાં પણ કેટલાક કિસ્સા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને સાઉથ આફ્રિકાના વિકેટકીપર કાઇલ વેરેનીએ ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ (TRAVIS)નો જે કૅચ પકડ્યો એ દર્શનીય હતો. બીજું, ઑસ્ટ્રેલિયાનો જ વિકેટકીપર ઍલેક્સ કૅરી સાઉથ આફ્રિકાના ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજના બૉલમાં સ્વીપ કરવા જતાં (`ઝાડુ’ મારવા જતાં) વિકેટ ગુમાવી બેઠો હતો.
#MarcoJansen dismisses TravisHead after a splendid catch by #KyleVerreynne behind the stumps!
— Star Sports (@StarSportsIndia) June 11, 2025
LIVE NOW https://t.co/9lZGHcdeVP #WTCFinal | #SAvAUS, Day 1, watch LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar pic.twitter.com/i4HNMMtsrW
ઑસ્ટ્રેલિયાએ ઓપનર ઉસ્માન ખ્વાજા (0) અને 15 મહિને ફરી ટેસ્ટ રમવા આવેલા કૅમેરન ગ્રીન (4)ની વિકેટ સસ્તામાં પડી ગયા બાદ ઓપનર માર્નસ લબુશેન (17) પણ સસ્તામાં આઉટ થઈ જતાં બધો બોજ સ્ટીવ સ્મિથ ઉપરાંત ટ્રૅવિસ હેડ પર આવી ગયો હતો. જોકે 67 રનના કુલ સ્કોર પર ટ્રૅવિસ હેડે પણ પૅવિલિયન તરફ ચાલવાનું શરૂ કરી દેવું પડ્યું હતું. કારણ એ હતું કે કાઇલ વેરેની (VERREYNNE)એ તેનો માનવામાં ન આવે એવો ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર માર્કો યેનસેનના લેગ સ્ટમ્પની બહાર જતા બૉલને ટ્રૅવિસ હેડ ફ્લિક કરવા ગયો અને બૉલને તેનું બૅટ સહેજ અડી ગયા બાદ બૉલ પાછળની દિશામાં ગયો હતો જ્યાં વિકેટકીપર વેરેનીએ જમણી તરફ ડાઇવ મારીને એક હાથ અફલાતૂન કૅચ પકડ્યો હતો. એ સાથે લંચ પહેલાં જ સાઉથ આફ્રિકાએ ડેન્જરસ બૅટ્સમૅન હેડને પાછો મોકલવામાં સફળતા મેળવી હતી.
હેડ પછી કુલ 146 રનના સ્કોર પર સ્ટીવ સ્મિથ (66 રન)ની વિકેટ પડી હતી અને વિકેટકીપર ઍલેક્સ કૅરી ક્રીઝમાં માંડ સેટ થયો હતો ત્યાં તેણે પોતાના 23 રનના સ્કોર પર ખોટું સાહસ કરવા જતાં વિકેટ ગુમાવી હતી. તેણે સ્પિનર કેશવ મહારાજને જાણે વિકેટની ભેટ આપી દીધી હતી. મિડલ અને ઑફ સ્ટમ્પ પરના ફ્લાઇટેડ બૉલમાં કૅરી પગ અને હાથ આગળની દિશામાં ખૂબ ખેંચીને રિવર્સ સ્વીપ મારવા ગયો હતો અને બૉલ તેના બૅટની નીચેથી થઈને સીધો સ્ટમ્પ્સમાં જતો રહ્યો હતો.
કૅરીની છઠ્ઠી વિકેટ 192 રનના કુલ સ્કોર પર પડ્યા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ ફરી બેઠી ન થઈ શકી અને 212 રનના સ્કોર પર ડિફેન્ડિંગ ચૅમ્પિયનોનો દાવ સમેટાઈ ગયો હતો.