સ્પોર્ટસ

IND vs AUS U-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રથમ વિકેટ લીધી કચ્છી બોલરે, તિવારીએ આપ્યા ઉપરાઉપરી બે ઝટકા

બેનોની: અન્ડર-19 વર્લ્ડ કપ ચરમસીમાએ આવી ગયો છે અને સૌથી વધુ પાંચ વખત ટાઇટલ જીતનાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સામેના નિર્ણાયક મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ ભારતના થોડા નબળા બોલિંગ આક્રમણને ધ્યાનમાં રાખીને ટૉસ જીતી પ્રથમ બૅટિંગ લીધી હતી. જોકે ત્રીજ જ ઓવરમાં કચ્છના પેસ બોલર રાજ લિંબાણીએ ઑસ્ટ્રેલિયન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડિઝ સામે સેન્ચુરી (108 રન) ફટકારનાર ઓપનર સૅમ કૉન્સ્ટાસના મિડલ અને ઑફ સ્ટમ્પને ટાર્ગેટ બનાવ્યા હતા. કૉન્સ્ટાસને ઝીરોમાં જ પૅવિલિયન ભેગો કરીને ભારતીય ટીમે જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.

જોકે કૅપ્ટન હ્યુ વિબ્ગેન અને બીજા ઓપનર હૅરી ડિક્સને બાજી સંભાળી લીધી હતી અને એક પછી એક ભારતના પાંચ બોલરની આક્રમક બોલિંગનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો અને લાંબી ભાગીદારી તરફ આગેકૂચ કરી હતી. બન્નેએ મળીને ઑસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનની નજીક પહોંચાડી દીધો હતો. જોકે બન્ને વચ્ચે મજબૂત થઈ રહેલી પાર્ટનરશિપને તોડવામાં પેસ બોલર નમન તિવારી સફળ થયો હતો. 21મી ઓવરમાં તેણે સુકાની વિબ્ગેન (48 રન)ને બૅકવર્ડ પૉઇન્ટ પર મુંબઈના ઑલરાઉન્ડર મુશીર ખાનના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. એ સાથે, ડિક્સન અને વિબ્ગેન વચ્ચેની 74 રનની ભાગીદારીનો અંત આવી ગયો હતો. એ પછી તો નમન તિવારી ફરી ત્રાટક્યો હતો અને તેણે ડિક્સનને પણ પાછો મોકલી દીધો હતો. ડિક્સનનો સ્કોર 42 રન હતો અને ઑસ્ટ્રેલિયાના 99 રને બે વિકેટ હતી ત્યારે અભિષેકના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

ઉદય સહારનના સુકાનમાં ભારતે સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલમાં જે પ્લેઇંગ-ઇલેવનને મેદાન પર ઉતારી હતી એ જ ફાઇનલમાં જાળવી રાખી હતી. ઑસ્ટ્રેલિયાએ ટૉમ કૅમ્પ્બેલના સ્થાને ચાર્લી ઍન્ડરસનને ટીમમાં સમાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button