સ્પોર્ટસ

ન્યૂઝિલેન્ડ સામે કુસલ પરેરાએ મચાવી ધમાલ

વર્લ્ડ કપ ૨૦૨૩ની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

બેંગલૂરુ: આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ની ૪૧મી મેચ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બેંગલૂરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ૧૦ ઓવરમાં ૭૦ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં શ્રીલંકાના ઓપનર કુસલ પરેરાએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુસલ પરેરાએ ન્યૂઝીલેન્ડ સામે વિસ્ફોટક બેટિંગ કરીને વર્લ્ડ કપ ૨૦૨૩ની સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચમાં પરેરા ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. ક્રિઝ પર આવતાની સાથે જ તેણે આક્રમક વલણ અપનાવ્યું હતું. પરેરાએ શાનદાર બેટિંગ કરી અને ૨૨ બોલમાં પોતાના ૫૦ રન પૂરા કર્યા હતા. દરમિયાન તેણે નવ શાનદાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આ સાથે તે વર્લ્ડ કપ ૨૦૨૩માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પરેરા પહેલા કુસલ મેડિન્સે ૨૫ બોલમાં ૫૦ રન કર્યા હતા. ઉપરાંત ટ્રેવિસ હેડે ૨૫ બોલમાં , ગ્લેન મેક્સવેલે ૨૭ બોલમાં અને ડેવિડ વોર્નરે ૨૮ બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે કુસલ પરેરા આ બધાને પાછળ છોડીને આ સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જો આપણે વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીની વાત કરીએ તો તે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે ૨૦૧૫માં ઈંગ્લેન્ડ સામે ૧૮ બોલમાં અડધી સદી ફટકારી હતી. ૨૦૦૭માં પણ તેણે કેનેડા સામે ૨૦ બોલમાં અડધી સદી ફટકારી હતી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button