
ધરમશાલા: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં 1-3થી પાછળ રહ્યા પછી હવે ભારત સામેની છેલ્લી મૅચ જીતીને શ્રેણીના પરાજયનો માર્જિન ઘટાડવા મરણિયા પ્રયાસો કરી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ ટી-ટાઇમ બાદ ફક્ત 218 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટૉસ જીતીને બૅટિંગ લેવાનો બેન સ્ટૉક્સનો નિર્ણય બૂમરેન્ગ સાબિત થયો હતો.
કુલદીપ યાદવ સિરીઝમાં સારા પર્ફોર્મન્સ છતાં આ મૅચમાંથી ડ્રૉપ થશે એવી સંભાવના ચર્ચાતી હતી, પરંતુ આ રિસ્ટ સ્પિનરે કમાલનો પર્ફોર્મન્સ બતાવીને 72 રનમાં પાંચ વિકેટ લીધી હતી અને 100મી ટેસ્ટ રમી રહેલા આર. અશ્ર્વિને 51 રનમાં ચાર વિકેટ મેળવીને સામા છેડેથી કુલદીપને સારો સપોર્ટ આપ્યો હતો.
રવીન્દ્ર જાડેજાએ 17 રનમાં ફક્ત એક વિકેટ મેળવી હતી, પરંતુ એ વિકેટ મુખ્ય બૅટર જો રૂટની હતી જે માત્ર 29 રનમાં તેના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. રૂટે રાંચીની ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં સેન્ચુરી (122) ફટકારી હતી, પણ આ વખતે સદંતર ફ્લૉપ ગયો હતો.
ઇંગ્લૅન્ડની પહેલી ચારેય વિકેટ કુલદીપે લીધી હતી. તેણે બેન ડકેટ (27)ને ઇંગ્લૅન્ડના 64 રનના સ્કોર પર આઉટ કરીને તેમના ધબડકાનો આરંભ કર્યો હતો. 100 રનના ટીમ-સ્કોર પર ઑલી પૉપની વિકેટ પણ કુલદીપે જ લીધી હતી.
ઓપનર ઝૅક ક્રૉવ્લી લડાયક અભિગમથી રમતો રહ્યો હતો અને 108 બૉલમાં એક સિક્સર અને અગિયાર ફોરની મદદથી 79 રન બનાવ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી તે ક્રીઝમાં રહ્યો હતો અને 79 રનના તેના સ્કોર પર કુલદીપે તેનો પણ શિકાર કર્યો હતો. ઇંગ્લૅન્ડના 137 રનના સ્કોર પર ક્રૉવ્લી પૅવિલિયન ભેગો થયા બાદ રૂટ અને 100મી ટેસ્ટ રમી રહેલા જૉની બેરસ્ટૉ (29) વચ્ચે ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી થઈ હતી એ અરસામાં કુલદીપ ફરી ત્રાટક્યો હતો અને બેરસ્ટૉને પણ પાછો મોકલીને બ્રિટિશ ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.
રૂટને જાડેજાએ ડ્રેસિંગ-રૂમનો રસ્તો બતાવ્યો ત્યાર પછી કુલદીપે કૅપ્ટન બેન સ્ટૉક્સ (0)ને શૂન્યમાં જ પાછો મોકલી આપ્યો હતો. રાજકોટની ત્રીજી હાર બાદ ભારતને 3-2થી સિરીઝ હરાવવાની વાતો કરતા સ્ટૉક્સનો કુલદીપે ગૂગલીમાં શિકાર કર્યો હતો. કુલદીપના કાંડાની કરામત સામે સ્ટૉક્સ મૂંઝાઈ ગયો હતો અને એલબીડબ્લ્યૂ થયો હતો. એ તબક્કે ઇંગ્લૅન્ડ ઉપરાઉપરી ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠું હતું અને ટી-ટાઇમ પહેલાં ત્યારે એનો સ્કોર છ વિકેટે 175 રન હતો.
ઇંગ્લૅન્ડની પહેલી ચાર વિકેટ કુલદીપે લીધી હતી તો આખરી ચાર વિકેટ આર. અશ્ર્વિને મેળવી હતી. તેણે ટૉમ હાર્ટલી (6), માર્ક વૂડ (0), બેન ફૉક્સ (24) અને જેમ્સ ઍન્ડરસન (0)ને આઉટ કર્યા હતા.
ઝૅક ક્રૉવ્લીના 79 રન ટીમમાં હાઈએસ્ટ હતા, જ્યારે બેન સ્ટૉક્સ સહિત ત્રણ બૅટર ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા. ધરમશાલાની પિચ બૅટિંગ માટે અનુકૂળ છે, પરંતુ પિચમાં કેટલીક તિરાડો જોતાં સ્પિનરોને વધુ ફાયદાકારક છે. જસપ્રીત બુમરાહને 51 રનમાં અને મોહમ્મદ સિરાજને 24 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
એક તબક્કે ઇંગ્લૅન્ડની 100 રનમાં એક જ વિકેટ હતી, પરંતુ બીજા 118 રનમાં એણે નવ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે આ મૅચમાં બૅટર દેવદત્ત પડિક્કલનો સમાવેશ કર્યો છે. 2021માં ભારત વતી બે ટી-20 રમી રહેલા પડિક્કલને હવે ટેસ્ટ-ડેબ્યૂનો મોકો મળ્યો. અશ્ર્વિને તેને ટેસ્ટની પ્રતિષ્ઠિત કૅપ સોંપી હતી. ઇંગ્લૅન્ડે ઑલી રૉબિન્સનના સ્થાને ફરી માર્ક વૂડને બોલાવ્યો છે.