લખનઊ: ત્રીજા નંબરની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર તળિયાની દિલ્હી કૅપિટલ્સ સામે શરૂઆતના અને મિડલ-ઑર્ડરના ધબડકા બાદ છેલ્લી સાત ઓવરમાં થોડીઘણી ફટકાબાજીથી 167/7નો સન્માનજનક સ્કોર મેળવ્યો હતો. આયુષ બદોની (પંચાવન અણનમ, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) આ સીઝનમાં પહેલી વાર સારું પર્ફોર્મ કરી શક્યો હતો. તેની અને અર્શદ ખાન (16 બૉલમાં બે ફોર સાથે અણનમ 20) વચ્ચે આઠમી વિકેટ માટે 73 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. આઇપીએલના ઇતિહાસમાં આઠમી વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી છે. 94મા રને કૃણાલ પંડ્યાની સાતમી વિકેટ પડી ત્યાર પછી બન્ને બૅટર ટીમના સ્કોરને 167/7 સુધી લઈ ગયા હતા.
દિલ્હીનો સ્પિનર કુલદીપ યાદવ ઈજા પામ્યા બાદ 15 દિવસે પાછો રમવા આવ્યો હતો અને છવાઈ ગયો હતો. તેણે 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેની ત્રણેય વિકેટ ખૂબ મહત્ત્વની હતી. તેણે રાહુલ (બાવીસ બૉલમાં 39 રન), માર્કસ સ્ટોઇનિસ (10 બૉલમાં આઠ રન) અને નિકોલસ પૂરન (પહેલા બૉલે આઉટ)ની વિકેટ લીધી હતી. બે વિકેટ રાજસ્થાનમાં જ્ન્મેલા ફાસ્ટ બોલર ખલીલ અહમદે લીધી હતી. ઇશાંત અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી, પરંતુ અક્ષર પટેલ આ વખતે વિકેટ લેવામાં સફળ નહોતો થયો.
લખનઊના સુકાની રાહુલે ટૉસ જીતીને બૅટિંગ પસંદ તો કરી, પરંતુ તેની ટીમે શરૂઆતથી જ સમયાંતરે એની વિકેટ પડી હતી. 66 રનમાં લખનઊની ચાર વિકેટ પડી ગઈ હતી અને 77મા રને ખુદ રાહુલ આઉટ થયો હતો. દર 10-12 રને વિકેટ પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો.
લખનઊની ટીમ આ મૅચ પહેલાંની ત્રણેય મૅચ જીતી હતી.
Taboola Feed