સ્પોર્ટસ

પુત્રીએ પિતાને પોલીસની નોકરી પાછી અપાવીઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન બોલરનો કરિશ્મા…

ઇન્દોરઃ મૂળ મધ્ય પ્રદેશની બાવીસ વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે નાનપણમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને સમય જતાં રાજ્યની ટીમ વતી રમીને કરીઅર શરૂ કરી ત્યારે તેના પિતા મુન્ના સિંહે કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ પુત્રી તેમને વર્ષોથી ગુમાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવશે અને સરકારી સન્માન પણ અપાવશે, પરંતુ આ હવે હકીકત છે કારણકે ક્રાંતિની ખ્યાતિ થકી જ પિતાને 14 વર્ષ પહેલાં ગુમાયેલી પોલીસની નોકરી પાછી મળી ગઈ છે.

મુન્ના સિંહ ગૌડ (Munna Singh Goud) મધ્ય પ્રદેશમાં પોલીસ કૉન્સ્ટેબલ (Constable) હતા. 2012માં ચૂંટણી વખતની ફરજ દરમ્યાન તેમનાથી કથિત લાપરવાહી થઈ હતી જેને લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર-પુત્રી ક્રાંતિની અપ્રતિમ સફળતાને લીધે પિતા મુન્ના સિંહનો 14 વર્ષનો વનવાસ દૂર થયો છે અને તેમને માન-મરતબા સાથે પોલીસની નોકરી પાછી મળી છે.

મધ્ય પ્રદેશની બાવીસ વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડ

બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમે (50 ઓવરમાં 7/298) ફાઇનલમાં સાઉથ આફ્રિકા (45.3 ઓવરમાં 10/246)ને બાવન રનથી હરાવીને પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. ક્રાંતિ (Kranti)ને ફાઇનલમાં વિકેટ નહોતી મળી, પણ તેણે ટૂર્નામેન્ટમાં કુલ નવ વિકેટ લઈને ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ક્રાંતિએ મુખ્ય બૅટર તેમ જ કૅપ્ટન-વિકેટકીપર અલીઝા હિલી (પાંચ રન)ની બહુમૂલ્ય વિકેટ લીધી હતી તેમ જ એશ્લેઇ ગાર્ડનર (63 રન)ને રનઆઉટ પણ કરાવી હતી.

ક્રાંતિ આક્રમક ફાસ્ટ બોલર છે. નવેમ્બરમાં ભારતીય મહિલા ટીમે ક્રાંતિના સુપર પર્ફોર્મન્સની મદદથી વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે જાહેરમાં (ભોપાલના સમારોહમાં) વચન આપ્યું હતું કે તેઓ ક્રાંતિના પિતાને પોલીસની નોકરી પાછી અપાવવા પૂરતી મદદ કરશે.

સોમવારે રાજ્યના પોલીસના વડા મથકેથી મુન્ના સિંહને નોકરીમાં પુનઃસ્થાપિત કરતો આદેશ-પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જોકે મુન્ના સિંહ 8 જૂન, 2012 પછીના લગભગ 14 વર્ષના સમયગાળામાં નોકરી પર ન હોવાથી તેમને એ સમયગાળાનો કોઈ પગાર નહીં મળે. મુન્ના સિંહે નોકરી ગુમાવ્યા બાદ ક્રાંતિની કરીઅર બનાવવામાં તેમ જ પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ સંઘર્ષ કર્યો હતો.

પુત્રીને ઇનામમાં કરોડો રૂપિયા મળ્યા

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય મહિલા ટીમને (આઇસીસી અને બીસીસીઆઇ તરફથી) ઇનામમાં કુલ મળીને લગભગ 91 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી ક્રાંતિ ગૌડના ભાગે આશરે 6.00 કરોડ રૂપિયા આવ્યા હતા. આ ઉપરાંત, દોઢ વર્ષમાં તેને ભારત વતી પ્રત્યેક મૅચ રમવા બદલ બીસીસીઆઇ તરફથી સારી એવી રકમ પણ મળી છે. એ ઉપરાંત, વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ક્રાંતિ યુપી વૉરિયર્ઝ ટીમ વતી રમે છે અને આ ટીમે તેને આ વખતે 50 લાખ રૂપિયામાં રીટેન કરી છે. બીજી રીતે કહીએ તો યુપીની ટીમ વતી રમવા બદલ ક્રાંતિએ લગભગ એક કરોડની કમાણી પણ કરી છે.

સંબંધિત લેખો

Back to top button