કોલકાતા: મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં નથી પહોંચી શકી એટલે શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ઈડન ગાર્ડન્સમાં હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ શાનથી એક્ઝિટ કરવા પૂરી તાકાતથી રમશે, પરંતુ એની હરીફ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) હોમ-ગ્રાઉન્ડ પરનો આ મુકાબલો જીતીને ગર્વભેર પ્લે-ઑફમાં જવા કોઈ કસર બાકી નહીં રાખે.
સત્તાવાર રીતે કોલકાતા પ્લે-ઑફમાં હજી ન પહોંચી હોવાથી એને ઘરઆંગણે જ એ સન્માન મેળવવાનો મોકો છે. કોલકાતા અને રાજસ્થાનના 16-16 પૉઇન્ટ છે અને બન્ને ટીમ નૉકઆઉટ રાઉન્ડના આંગણે પહોંચી જ ગઈ છે. શુુક્રવારની મૅચ પહેલાં બાકીના બે સ્થાન માટે ખરી હરીફાઈ હૈદરાબાદ, ચેન્નઈ, દિલ્હી, લખનઊ અને બેન્ગલૂરુ વચ્ચે હતી.
ગૌતમ ગંભીરના સુકાનમાં ભૂતકાળમાં કોલકાતાની ટીમ બે ટાઇટલ જીતી હતી અને આ વખતે ગંભીરે (રાજકારણ છોડીને) સંપૂર્ણ સમય કોલકાતાની ટીમને મેન્ટર તરીકે આપ્યો છે અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પોતાને કેવી રીતે બહાર લાવવું એ શ્રેયસ ઐયરની ટીમ ગંભીર પાસેથી શીખી છે.
શાહરુખ ખાનની સહ-માલિકીની આ ટીમ અગિયારમાંથી આઠ મૅચ જીતી છે. ઑલરાઉન્ડર સુનીલ નારાયણ હાલમાં ફુલ ફૉર્મમાં છે અને ટીમ પાસે ફિલ સૉલ્ટ પણ છે જે ટી-20 ઇન્ટરનૅશનલમાં વર્લ્ડ નંબર-ટૂ છે.
બીજી તરફ, મુંબઈ પાસે ટી-20નો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવ છે અને તે જબરદસ્ત ફૉર્મમાં છે, જ્યારે બુમરાહ વર્તમાન સીઝનમાં 18 વિકેટ સાથે નંબર-ટૂ છે. મુંબઈની આ મૅચ પછી લખનઊ સામેની જ મૅચ બાકી છે એટલે કૅપ્ટન હાર્દિક પંડ્યા ‘મરતે દમ તક’ના મંત્ર સાથે ફરી રમતો જોવા મળશે. તે બોલિંગ ઉપરાંત બૅટિંગમાં પણ પરચો બતાવશે તો નવાઈ નહીં લાગે.
Taboola Feed