કોહલીની ગેરહાજરી ભારત માટે જ નહીં, સમગ્ર ક્રિકેટજગત માટે મોટું નુકસાન: નાસિર હુસેન
ચેન્નઈ: વિરાટ કોહલી અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં નથી રમ્યો અને હવે બીજી બે ટેસ્ટમાં પણ નહીં રમે એવા અહેવાલો આવ્યા બાદ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને કોહલીની ગેરહાજરીને મોટા નુકસાન તરીકે ઓખળાવવાની સાથે એવું પણ કહ્યું છે કે અંગત જીવનને પણ અગ્રતા આપવી જોઈએ એ બાબતમાં હું કોહલી સાથે સંમત છું.
જોકે નાસિર હુસેને સ્કાય સ્પોર્ટ્સને ઇન્ટવ્યૂમાં કહ્યું, ‘કોહલી વર્તમાન ટેસ્ટ સિરીઝમાં નથી રમી રહ્યો. તે કદાચ બાકીની મૅચોમાં પણ નહીં રમે. તેની ગેરહાજરી ભારત માટે તેમ જ ટેસ્ટ શ્રેણી માટે તો નુકસાન છે જ, મારી દૃષ્ટિએ તો સમગ્ર ક્રિકેટજગત માટે પણ તેની ગેરહાજરી મોટું નુકસાન છે. જોકે જે ખેલાડી 15 વર્ષથી રમી રહ્યો હોય તેણે ફૅમિલી સાથે પણ સમય વીતાવવો પડે એ પણ જરૂરી છે. તેને પણ બ્રેકની જરૂર પડે જને!. હું વિરાટ કોહલીને આવનારા સમય માટે શુભકામના પાઠવું છું.’
નાસિર હુસેનના મતે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટર્સમાં કોહલીનો સમાવેશ અચૂક કરવો જોઈએ. તેની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટું નુકસાન છે જ અને તેની ખોટ તો ન જ પૂરી શકાય, પરંતુ ભારત પાસે બીજા ઘણા સારા બૅટર્સ છે અને કેએલ રાહુલ એમાંનો એક છે.’
રાહુલ ઈજાને કારણે બીજી ટેસ્ટમાં નહોતો રમ્યો, પણ 15મીએ રાજકોટમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં અને પછી 23મીએ શરૂ થનારી રાંચીની ચોથી ટેસ્ટમાં રમશે તેમ જ પછીની પાંચમી ટેસ્ટમાં રમશે એવી પાક્કી સંભાવના છે.
કોહલીના નજીકના મિત્ર અને આરસીબીના તેના ભૂતપૂર્વ સાથી બૅટર એબી ડિવિલિયર્સે તાજેતરમાં પોતાના યુટ્યૂબ શોમાં કહ્યું હતું કે કોહલી થોડા જ સમયમાં બીજા બાળકનો ડૅડી બનશે.