અરે!…કોહલી અને સાઉધી વચ્ચે આ હાથચાલાકી શેની છે ભાઈ?…વીડિયો જોવા જેવો છે
પુણે: વિરાટ કોહલી અને ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર ટિમ સાઉધી. આ બન્ને પીઢ ક્રિકેટર એકમેકને દોઢ દાયકાથી ઓળખે છે અને બન્ને વચ્ચે બહુ સારી દોસ્તી છે. 2008માં આઇપીએલ શરૂ થઈ ત્યારથી ભારતીય ખેલાડીઓ સાથે તમામ દેશોના પ્લેયર્સની દોસ્તી મજબૂત થઈ છે અને એમાં પણ ટિમ સાઉધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી રમ્યો છે એટલે કોહલી સાથે તેની ભાઇબંધી તો હોવાની જ. ગુરુવારે પુણેમાં કોહલી અને ટિમ સાઉધી વચ્ચે ‘હળવી હાથચાલાકી’ થઈ એનો એક વીડિયો વાયરલ થયો છે. જોકે એમાં સત્ય શું છે એ જાણતાં પહેલાં આપણે સાઉધીના આઇપીએલ-ટચ વિશે થોડું વધુ જાણી લઈએ.
આઇપીએલમાં કોહલી ભલે માત્ર આરસીબી વતી રમ્યો છે, પરંતુ ટિમ સાઉધીએ મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ તથા રાજસ્થાન રૉયલ્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.
પુણેમાં બન્યું એવું કે ગુરુવારે બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ-રૂમમાં પાછા આવી રહ્યા હતા અને કિવી ખેલાડીઓ હળવી કસરત અને પ્રૅક્ટિસ માટે મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે કોહલીનો રસ્તામાં ટિમ સાઉધી સાથે ભેટો થઈ ગયો. બન્ને એકમેકની સામે આવ્યા ત્યારે દોસ્તીમાં એકબીજાના હાથ પકડી લીધા અને સાઉધી તેને મજાકમાં મારવા જતો હતો ત્યાં કોહલી ઝડપથી ત્યાંથી હસતો-હસતો જતો રહ્યો હતો અને સાઉધીના વધુ ‘ઓચિંતા આક્રમણ’થી બચી ગયો હતો. કોહલીને ખબર હતી જ કે સાઉધી સામે આવશે એટલે મજાકમસ્તી કર્યા વિના નહીં રહે એટલે તેણે જાણે પહેલેથી જ તેનાથી બચવાની મનોમન તૈયારી કરી લીધી હતી.
આ પણ વાંચો : વિરાટ કોહલીને નચાવી રહ્યા છે સ્પિનર્સ
ગુરુવારના પ્રથમ દિવસે રોહિત શર્મા ઝીરો પર પેસ બોલર ટિમ સાઉધીનો શિકાર થઈ ગયો હતો, પણ શુક્રવારના બીજા દિવસે કોહલીને સ્પિનર મિચલ સૅન્ટનરે જાળમાં બરાબરનો ફસાવી લીધો હતો અને તેને એક જ રનના તેના સ્કોર પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો.