બાબરના ભોગે કોહલીને રૅન્કિંગમાં આગળ આવવા મળ્યું, જાણો કેવી રીતે

દુબઈઃ આઇસીસીએ ફરી એક વાર મેન્સ વન-ડેના નવા બૅટિંગ રૅન્કિંગ જાહેર કર્યા છે જે અનુસાર ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માએ તો મોખરાનું સ્થાન જાળવી જ રાખ્યું છે, ફૉર્મ ગુમાવી ચૂકેલા પાકિસ્તાનના બાબર આઝમ (Babar Azam)ના ભોગે વિરાટ કોહલી (Virat Kohli)ને એક ક્રમ આગળ આવવા મળ્યું છે.
વધુ નવાઈની વાત એ છે કે આઇસીસીએ જે સમયગાળાના પર્ફોર્મન્સને આધારે નવા રૅન્કિંગ જાહેર કર્યા છે એમાં કોહલી એક પણ મૅચ નહોતો રમ્યો છતાં તે છઠ્ઠા પરથી પાંચમા નંબર પર આવી ગયો છે.
આપણ વાચો: ટી-20 રૅન્કિંગમાં અભિષેક, વરુણ, હાર્દિક નંબર-વન પર અડીખમ, ગિલની સાત ક્રમની છલાંગ
રોહિત શર્મા 781 રેટિંગ સાથે અવ્વલ છે, જ્યારે અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝડ્રાન (764) બીજા નંબરે, ડેરિલ મિચલ (746) ત્રીજા નંબરે અને શુભમન ગિલ (745) ચોથા નંબરે છે. વિરાટ કોહલીના રૅટિંગ પૉઇન્ટ 725 છે અને તે પાંચમા ક્રમે છે.
શ્રીલંકાનો ચરિથ અસલંકા (710) છઠ્ઠે છે અને બાબર આઝમ (709) છેક સાતમા સ્થાને ધકેલાઈ ગયો છે. બાબરની રૅન્ક સાતમા ક્રમ સુધી નીચે ઉતરી ગઈ એટલે કોહલીને નિર્ધારિત સમયગાળામાં રમ્યા વગર એક ક્રમ આગળ આવવા મળ્યું છે.
શ્રેયસ ઐયર જેને બે દિવસ પહેલાં 50 ટકા ઓછા ઑક્સિજનની તકલીફ નડી હતી એ વન-ડેના બૅટિંગ રેટિંગમાં નવમા નંબરે છે. એ જોતાં, ટૉપ-ટેનમાં ચાર ભારતીય છે.
વન-ડેના બોલર્સમાં રાશિદ ખાન પહેલા નંબરે, જોફ્રા આર્ચર બીજા નંબરે અને કેશવ મહારાજ ત્રીજા સ્થાને છે. વન-ડેના ઑલરાઉન્ડર્સમાં અફઘાનિસ્તાનનો અઝમતુલ્લા ઓમરઝાઇ પ્રથમ સ્થાને, પાકિસ્તાનમાં જન્મેલો અને ઝિમ્બાબ્વે વતી રમતો સિકંદર રઝા બીજા સ્થાને અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ત્રીજા સ્થાને છે.



