કોહલીએ નિવૃત્ત થઈ રહેલા શાકિબને આપી સ્પેશિયલ ગિફ્ટ!
કાનપુર: વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટર અને ક્રિકેટની રમતના બૅટિંગ-લેજન્ડમાં અચૂક ગણાતા વિરાટ કોહલીએ મંગળવારે અહીં કાનપુરમાં ક્રિકેટજગતને મળેલા શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં ગણાતા બાંગ્લાદેશના શાકિબ અલ હસનને પોતાના ઑટોગ્રાફવાળું બૅટ ગિફ્ટ આપ્યું હતું.
એક સમયનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર શાકિબ વિદેશી ધરતી પર છેલ્લી વાર ટેસ્ટ રમ્યો છે. તેણે જાહેરાત કરી દીધી છે કે જો બાંગ્લાદેશમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટમાં તેને (રાજકીય ક્રાંતિને પગલે) રમવાનો મોકો નહીં મળે તો કાનપુરની ટેસ્ટ સાથે જ તેની ટેસ્ટ કરીઅર પર પડદો પડી ગયો ગણાશે.
મંગળવારે ભારતના 2-0ની ક્લીન સ્વીપ સાથે ટેસ્ટ સિરીઝ પૂરી થઈ ત્યાર બાદ કોહલી બાંગ્લાદેશ ટીમના ખેલાડીઓની નજીક ગયો હતો અને બાંગ્લાદેશના ગ્રેટેસ્ટ-એવર ક્રિકેટર શાકિબને બૅટ ગિફ્ટ આપીને તેની સાથે થોડી મજાક-મસ્તી કરી હતી.
કોહલીએ આ બહુમૂલ્ય બૅટથી ફટકાબાજી કરવાની ઍક્શન કરી હતી.
શાકિબ ભારતમાં લોકપ્રિય છે. તે 71 આઇપીએલ મૅચ રમ્યો છે. તે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમ્યો છે.
શાકિબ હાલમાં અમેરિકામાં રહે છે. બાંગ્લાદેશમાં રાજકીય ઊથલપાથલ થઈ છે. બરખાસ્ત અવામી લીગ પક્ષના સાંસદ શાકિબ સામે બાંગ્લાદેશમાં કેટલાક આરોપો છે. ખાસ કરીને રાજકીય આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા લોકો માટે શાકિબ સહિત અનેકને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.