રોહિતે ઑલી પૉપનો કૅચ 0.45 સેકંડના રિએક્શન ટાઇમમાં કેવી રીતે પકડ્યો એ તેના જ શબ્દોમાં જાણો…
વિશાખાપટ્ટનમ: ક્રિકેટમાં કહેવત છેને ‘કૅચીઝ વિન મૅચીઝ’. રોહિત શર્મા ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બન્ને દાવમાં 14 અને 13 રન સાથે ભલે સાવ ફ્લૉપ ગયો, પણ સોમવારે બીજા દાવમાં તેણે સૌથી ડેન્જરસ બૅટર ઑલી પૉપનો જે કૅચ પકડ્યો એ કાબિલેદાદ હતો.
ઇંગ્લૅન્ડને જીતવા 399 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પણ તેઓ 292મા રને ઑલઆઉટ થયા હતા. એ પહેલાં, 29મી ઓવર આર. અશ્વિને કરી હતી જેના બીજા બૉલ પહેલાં ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે 132 રન હતો અને ઑલી પૉપ સ્ટ્રાઇક પર હતો. અશ્વિનનો બીજો બૉલ ખાસ કંઈ ટર્ન નહોતો થયો, પરંતુ એક્સ્ટ્રા બાઉન્સમાં ઑલી પૉપના બૅટની કટ લાગી અને બૉલ સ્લિપમાં ઊભેલા રોહિત તરફ ગઈ હતી. રોહિત પાસે રિએક્ટ કરવા અડધી સેકંડનો પણ સમય નહોતો. જોકે રોહિતે જબરદસ્ત સ્ફૂર્તિ બતાવીને ડાબી તરફ બૉલને માત્ર 0.45 સેકંડના રિએક્શન ટાઇમમાં પકડી લીધો હતો.
રોહિત એ કૅચ ન પકડી શક્યો હોત તો ઑલી પૉપ કદાચ ભારતીય ટીમને ભારે પડ્યો હોત, કારણકે હૈદરાબાદની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં તેના 196 રન મૅચ-વિનિંગ સાબિત થયા હતા.
રોહિતે બીસીસીઆઇ દ્વારા અપલોડ કરાયેલા વીડિયોમાં પોતાના એ કૅચ વિશે કહ્યું, ‘સ્લિપના ફીલ્ડર માટે ચિતા જેવી સ્ફૂર્તિ અને નજર અત્યંત જરૂરી હોય છે. સ્લિપના ફીલ્ડરે હરહંમેશ તૈયાર રહેવું પડે છે. તેણે પહેલા સ્થિર રહેવું પડે અને પછી ઓછામાં ઓછા સમયમાં રિએક્ટ કરવું પડે છે. ઑલી પૉપ બહુ સારા ફૉર્મમાં હોવાથી તેની વિકેટ અત્યંત જરૂરી હતી. બૉલ ક્યારેક એટલો બધો ફાસ્ટ આવતો હોય છે કે રિએક્ટ કરવા માટે સમય જ નથી હોતો. ફીલ્ડરે પોતાને તો યોગ્ય પૉઝિશનમાં રાખવો જ પડે છે, ખાસ કરીને હાથને પણ એવી રીતે તૈયાર રાખવા પડે કે કૅચ આવે તો ઓછામાં ઓછા સમયમાં પકડી શકાય. મેં આવી જ પાકી તૈયારી રાખી હતી અને ઑલીનો કૅચ પકડી લીધો. મને આશા છે કે આ સિરીઝમાં આ જ રીતે હું ચપળ ફીલ્ડિંગની કમાલ બતાવી શકીશ.’
હવે 15મી ફેબ્રુઆરીએ રાજકોટમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે. બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓ રિક્રીએશનલ ઍક્ટિવિટી માટે અબુ ધાબી ગયા છે અને ત્રીજી ટેસ્ટ પહેલાં સમયસર ભારત આવી જશે.