
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ સામે રમાતી ચોથી ટેસ્ટમાં ઓપનર કે. એલ. રાહુલ ચાર રન માટે 19મી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ તેણે 11મો રન કર્યો ત્યારે તેણે અપ્રતિમ સિદ્ધિ (achievement) મેળવી હતી, કારણકે ત્યારે તે ઇંગ્લૅન્ડની ધરતી પર 1,000 ટેસ્ટ-રન (1000 test runs) પૂરા કરનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો હતો. તેણે સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોવાળી યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી દીધું છે.
રાહુલ (KL RAHUL) બુધવારે ટેસ્ટના પ્રથમ દાવમાં 46 રન કરીને આઉટ થઈ ગયો હતો. ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ રન કરનાર ભારતીયોમાં સચિનનું નામ મોખરે છે. તેણે બ્રિટિશ લૅન્ડ પર કુલ 1,575 રન કર્યા હતા. તેણે આ 1500-પ્લસ રન 17 ટેસ્ટમાં 54.31ની સરેરાશે કર્યા હતા.
આ પણ વાંચો: ચોથી ટેસ્ટઃ શુભમન ગિલ આવી શકે બ્રેડમૅનની બરાબરીમાં…
બીજા નંબર પર રાહુલ દ્રવિડનું નામ છે. તેણે ઇંગ્લૅન્ડમાં 13 ટેસ્ટમાં 68.80ની ઍવરેજે 1,376 રન કર્યા હતા. સુનીલ ગાવસકર ત્રીજા સ્થાને છે જેમણે ઇંગ્લૅન્ડમાં 16 મૅચમાં 1,152 રન કર્યા હતા.
ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીનું નામ આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે તાજેતરમાં જ શાનદાર ટેસ્ટ કરીઅરમાંથી નિવૃત્ત થતાં પહેલાં ઇંગ્લૅન્ડમાં 17 ટેસ્ટમાં 33.21ની સરેરાશે 1,096 રન કર્યા હતા.
આ પણ વાંચો: ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન
કે. એલ. રાહુલે ઇંગ્લૅન્ડમાં 13 ટેસ્ટમાં 1,008 રન કર્યા છે. હવે રાહુલને વર્તમાન ટેસ્ટના બીજા દાવમાં અથવા ઓવલની છેલ્લી ટેસ્ટમાં કોહલીનો વિક્રમ પાર કરવાની તક છે.
ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ ટેસ્ટ રન કયા ભારતીયોના…
(1) સચિનઃ 1,575 રન
(2) દ્રવિડઃ 1,376 રન
(3) ગાવસકરઃ 1,152 રન
(4) વિરાટઃ 1,096 રન
(5) કે.એલ. રાહુલઃ 1,008 રન