સ્પોર્ટસ

કે. એલ. રાહુલની સુપર-સેન્ચુરીને બે ગ્રહણ લાગ્યા

સદી પહેલાં પંતે રનઆઉટમાં વિકેટ ગુમાવી અને પછી 100 રન બાદ ખુદ રાહુલ આઉટ થયો

લંડનઃ લૉર્ડસ (LORD’S)માં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શનિવારનો ત્રીજો દિવસ ભારતનો અને એમાં પણ ખાસ કરીને ઓપનર કે. એલ. રાહુલ (KL RAHUL) તથા વાઇસ-કૅપ્ટન રિષભ પંતનો હતો, કારણકે બન્નેએ 198 બૉલમાં 141 રનની ભાગીદારી કરીને ભારતને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું. જોકે રાહુલની કરીઅરની 10મી ટેસ્ટ સદી ટીમ ઇન્ડિયા માટે તારણહાર હોવા ઉપરાંત બે રીતે આંચકારૂપ બની હતી.

ભારતની ઇનિંગ્સમાં 66મી ઓવર બ્રિટિશ સ્પિનર શોએબ બશીરે કરી હતી જેના પહેલા બૉલમાં રાહુલે એક રન દોડીને 98મો રન પૂરો કર્યો હતો. લંચનો સમય થવાની તૈયારી જ હતી અને ત્યારે ઓવરના બીજા બૉલમાં પંત રન નહોતો દોડી શક્યો. રાહુલ 98 રન પર હતો એટલે લંચ પહેલાં જ તે સદી પૂરી કરી લે કદાચ એ જોવાની પંતની ઈચ્છા હશે એટલે ઓવરના ત્રીજા બૉલમાં તેણે બૉલને કવર પૉઇન્ટ તરફ મોકલીને દોડવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: વેન્ગસરકર પછી કે. એલ. રાહુલ એવો બીજો બૅટ્સમૅન છે જેણે…

74 રનના સ્કોર પર રમી રહેલા પંતે રન દોડવાનું શરૂ તો કર્યું, પણ સ્ટાર્ટ લીધા પછી એક ક્ષણ અટક્યો હતો અને ફરી દોડ્યો હતો. કવર પૉઇન્ટ પર ઊભેલા કૅપ્ટન બેન સ્ટૉક્સે તકનો લાભ લઈ લીધો અને સ્ટ્રાઇક-એન્ડ પર આવી રહેલા રાહુલને નિશાન બનાવવાને બદલે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઘાયલ અને જરાક મોડું દોડેલા પંતને સીધો ટાર્ગેટ બનાવવાનું તત્કાળ નક્કી કરીને બૉલ સીધો નૉન-સ્ટ્રાઇક એન્ડના સ્ટમ્પ્સ પર ફેંક્યો હતો અને બે ઇંચ દૂર રહી ગયેલો પંત રનઆઉટ થઈ ગયો હતો.

લંચ પહેલાં પંતે બ્રિટિશરોને બોનસમાં વિકેટ આપી દીધી હતી. રાહુલ તો ઘણી વારથી (90 રન પાર કર્યા પછી) ધીરજપૂર્વક રમી રહ્યો હતો, પણ લંચની થોડી ક્ષણો પહેલાં પંતે ઉતાવળ કરીને વિકેટ તાસક પર ધરીને બાજી થોડી બગાડી હતી.
પંતની વિકેટ સાથે લંચનો બે્રક લઈ લેવામાં આવ્યો હતો. રાહુલ ભોજનના 40 મિનિટના વિશ્રામ બાદ રવીન્દ્ર જાડેજાને લઈને પાછો રમવા આવ્યો હતો. રાહુલે બશીરની બાકી રહેલી ઓવરના ચોથા બૉલમાં એક રન કર્યો અને 99 રન પર પહોંચ્યો ત્યાર બાદ પાંચમા બૉલમાં જાડેજાએ દોડીને ત્રણ રન લીધા અને છઠ્ઠો ડૉટ-બૉલ રહેતાં રાહુલ 99 રનના વ્યક્તિગત સ્કોર સાથે પછીની જોફ્રા આર્ચરની નવી ઓવરમાં નૉન-સ્ટ્રાઇક પર ઊભો રહ્યો હતો. જોફ્રાની ઓવરની શરૂઆતમાં જ જાડેજાએ એક રન દોડી લેતાં રાહુલ સ્ટ્રાઇક પર આવ્યો હતો અને બે ડૉટ-બૉલ બાદ રાહુલે એક રન દોડીને 100 રન પૂરા કર્યા હતા.

આ પણ વાંચો: બ્રિટિશરો સામે હવે રિચર્ડ્સ નહીં, પણ ભારતનો આ બૅટર છે સિક્સરોનો બાદશાહ

રાહુલને હાશકારો થયો હતો, પરંતુ ત્યાર પછીની સ્પિનર બશીરની ઓવરના પહેલા જ બૉલમાં રાહુલને થોડો કમ્ફર્ટ ઝોનમાં જોઈને અને (સેન્ચુરી પછી) તેની એકાગ્રતા થોડી ઓછી થઈ હોવાનું જણાતાં બશીર ત્રાટક્યો હતો અને તેને સ્લિપમાં હૅરી બ્રૂકના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતા. રાહુલ બરાબર 100 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. જોકે રાહુલની ઇનિંગ્સ કાબિલેદાદ હતી. તેણે કરુણ નાયર (40 રન) સાથે 61 રનની, શુભમન ગિલ (16) સાથે 33 રનની, પંત (74) સાથે 141 રનની અને જાડેજા સાથે છ રનની ભાગીદારી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button