
બેન્ગલૂરુ: ‘જેની શરૂઆત સારી એનો અંત સારો’ એ કહેવત કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને ત્રણ રીતે લાગુ પડી શકાય. રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (૨૦ ઓવરમાં ૧૮૨/૬)ને એની જ હોમ પિચ પર હરાવીને શ્રેયસ ઐયરની કેકેઆર (૧૬.૫ ઓવરમાં ૧૮૬/૩) ટીમે પોતાના કરોડો ચાહકો માટે શુક્રવારનો દિવસ ખરા અર્થમાં ‘ગુડ ફ્રાયડે’ બનાવી દીધો.
કેકેઆરે ત્રણ રીતે સારી શરૂઆત કરી હતી. કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પોતાના બોલર્સ અને બેટર્સ પર ભરોસો કરીને ફિલ્ડીંગ પસંદ કરી એ કેકેઆરની પ્રથમ સારી શરૂઆત. આરસીબીનો કેપ્ટ્ન અને બહુમૂલ્ય ઓપનર ફાફ ડુ પ્લેસી (૮ રન)ને બીજી જ ઓવરમાં આઉટ કરી શકાયો એ કેકેઆરની બીજી સારી શરૂઆત અને ૧૮૩ રનનો ટાર્ગેટ મળ્યા પછી કેકેઆરના ઓપનર્સ (ફિલ સૉલ્ટ અને સુનીલ નારાયણ) ૮૦-પ્લસની ભાગીદારી કરી શક્યા એ કેકેઆરની ત્રીજી સારી શરૂઆત.
ખરેખર તો આ મુકાબલો વિરાટ કોહલી (૮૩ અણનમ, ૫૯ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને કેકેઆર વચ્ચે હતો. કેકેઆરનો કોઈ બોલર કોહલીને આઉટ ન કરી શક્યો, પણ પછીથી ચાર બેટર્સે નાની-મોટી ઇનિંગ્સથી કેકેઆરની નૌકા વહેલી (૧૬.૫ ઓવરમાં, ૧૯ બૉલ બાકી રાખવીને) પાર કરાવી, કોહલીની ઇનિંગ્સને ઝાંખી પાડી તેમ જ બે પોઇન્ટ અપાવ્યા જેથી કેકેઆર ટેબલમાં રાજસ્થાનને હટાવીને બીજા નંબર પર આવી ગયું.
ચેન્નઇ (૪ પોઇન્ટ, ૧.૯૭૯નો રનરેટ) પ્રથમ સ્થાને, કોલકાતા (૪ પોઇન્ટ, ૧.૦૪૭નો રનરેટ) બીજા ક્રમે અને રાજસ્થાન (૪ પોઇન્ટ, ૦.૮૦૦નો રનરેટ) ત્રીજા ક્રમે છે.
કેકેઆરનો ઓલરાઉન્ડર સુનીલ નારાયણ (એક વિકેટ અને બાવીસ બૉલમાં પાંચ સિક્સર, બે ફોર સાથે ૪૭ રન ) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
જોકે વેન્કટેશ ઐયર (૫૦ રન, ૩૦ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) પણ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. નારાયણ અને ફિલ સૉલ્ટ (૩૦ રન, ૨૦ બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે ૮૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. અધૂરામાં પૂરું, આરસીબીને શ્રેયસ ઐયર (૩૯ અણનમ, ૨૪ બૉલ, બે સિક્સર, બે ફોર) નામનો કાંટો પણ નડ્યો હતો. સૌથી મોટો હાર્ડ હિટર રિન્કુ સિંહ પાંચ રને અણનમ રહ્યો હતો. આરસીબીના યશ દયાલ, ઇમ્પેક્ટ પ્લેયર વૈશાક અને મયંક ડાગર એક-એક વિકેટ લઈ શક્યા હતા.
એ પહેલાં, કિંગ કોહલીએ કેકેઆરના બોલર્સની ખબર લઈ નાખી હતી. ઓપનિંગમાં આવીને એક પછી એક છ જોડીદાર સાથે તેણે નાની-મોટી ભાગીદારી કરી હતી. આરસીબીએ 20 ઓવરમાં છ વિકેટે 182 રન બનાવ્યા હતા જેમાંથી 83 રન કોહલીના હતા.