સ્પોર્ટસ

બેંગલૂરુ, કોલકાતા પછી હવે આઇપીએલની આ ટીમ પણ ઇક્વિટી હિસ્સો વેચવા માગે છે!

કોલકાતાઃ 2025ની આઇપીએલની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને 2008ની પ્રથમ વિજેતા રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમના ફ્રૅન્ચાઇઝી પોતાની ઇક્વિટીના અમુક હિસ્સાના વેચાણ માટે આગળ વધી રહ્યા હોવાની ચર્ચા હજી શમી નથી ત્યાં ત્રીજી ટીમના ઇક્વિટી વેચાણની વાત બહાર આવી છે.

2024માં ત્રીજી ટ્રોફી જીતનાર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પોતાનો નજીવો ઇક્વિટી હિસ્સો વેચવા માગે છે એવું એક જાણીતી વેબસાઇટને ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કેકેઆરની સ્થાપના 2008માં થઈ હતી. શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની એમાં પંચાવન ટકાનો બહુમત ઇક્વિટી (EQUITY) હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો 45 ટકા ભાગ અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાના મહેતા ગ્રૂપ પાસે છે.

આપણ વાચો: આઇપીએલના ઑક્શનની મહિલા સંચાલક વિશે આ જાણો છો?

કહેવાય છે કે મહેતા ગ્રૂપ પોતાનો નાનો ઇક્વિટી હિસ્સો વેચવા માગે છે અને એ માટે એણે નોમુરા નામની ઇન્વેસ્ટમેન્ટ બૅન્કને સંભવિત ડીલ સંબંધમાં ઍડવાઇઝર તરીકે નિયુક્ત કરી છે અને કહેવાય છે કે આ ડીલ આવતા વર્ષની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે.

જય મહેતા અને જુહી મહેતાના મહેતા ગ્રૂપના ભારત ઉપરાંત આફ્રિકા અને અમેરિકામાં બિઝનેસ છે. આ ગ્રૂપના વેપાર ક્ષેત્રોમાં ક્રિકેટ (કેકેઆર) ઉપરાંત સિમેન્ટ, બાંધકામની સામગ્રી, પૅકેજિંગ, ખાંડ, બાગાયતી ક્ષેત્રની ચીજો, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ કૅબલ, ક્નસલ્ટન્સી, કૃષિ રસાયણો, મહેમાનગતિને લગતું ક્ષેત્ર તેમ જ નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે.

આ ગ્રૂપનું નેટ વ્યર્થ 7,790 કરોડ રૂપિયા છે અને એ રીતે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા જુહી ચાવલા દેશની સૌથી શ્રીમંત અભિનેત્રી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button