
કોલકાતા: આઇપીએલની અત્યારે 17મી સીઝન ચાલી રહી છે. પાછલી 16 સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. જોકે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને માત્ર બે ટ્રોફી મળી છે અને એને 10 વર્ષ થઈ ગયા છે. એ બન્ને ટ્રોફી ગૌતમ ગંભીરના સુકાનમાં મળી હતી અને આ વખતે ગંભીર આ ટીમનો મેન્ટર છે. આના પરથી કોઈકને સંકેત મળી ગયો હશે કે કેકેઆર સાથે ગંભીર પાછો જોડાયો છે એટલે આ ટીમની ટાઇટલ જીતવાની સંભાવના વધી જ ગઈ કહેવાય. આ અટકળ અસ્થાને નથી, કારણકે અગાઉ કેકેઆરની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં જ્યારે પણ ટૉપ-ટૂમાં (2012માં અને 2014માં) રહી હતી ત્યારે કેકેઆરે જ ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ વખતે શાહરુખ ખાનની સહ-માલિકીની આ ટીમે ફરી એકવાર ટૉપ-ટૂમાં સ્થાન મેળવ્યું એટલે એની ત્રીજી ટ્રોફી પાક્કી જણાઈ રહી છે.
વધુ રસપ્રદ બાબત એ છે કે કેકેઆરની ટીમ પહેલી જ વખત પૉઇન્ટ્સ-ટેબલમાં છેવટે નંબર-વન પર રહી છે. 2012માં અને 2014માં ટ્રોફી જીતતાં પહેલાં ગંભીરની કૅપ્ટન્સીમાં આ ટીમ લીગ રાઉન્ડને અંતે નંબર-ટૂ પર રહી હતી, પરંતુ આ વખતે શ્રેયસ ઐયરના સુકાનમાં કેકેઆર મોખરે છે અને મોખરે જ રહેશે. કારણ એ છે કે નંબર-ટૂ ટીમ રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ના 16 પૉઇન્ટ છે અને 14મી એટલે કે અંતિમ લીગ મૅચ જીતશે તો પણ એના 18 પૉઇન્ટ થશે, જ્યારે કેકેઆરના 19 પૉઇન્ટ છે અને છેલ્લી લીગ જીતીને એના 21 પૉઇન્ટ થઈ શકે. ત્રીજા નંબરની ચેન્નઈની ટીમ (14 પૉઇન્ટ) છેલ્લી મૅચ જીતશે તો એના 16 પૉઇન્ટ થશે, જ્યારે ચોથા નંબરની હૈદરાબાદની ટીમ (14 પૉઇન્ટ) બાકીની બે મૅચ જીતીને 18 પૉઇન્ટ પર જઈ શકે, જ્યારે કેકેઆરના 19 અથવા 21 પૉઇન્ટ રહેશે.
રાજસ્થાનની ટીમ 16 પૉઇન્ટ સાથે નંબર-ટૂ છે. બાકીના બે સ્થાન (ત્રીજા, ચોથા સ્થાન) માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી), ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સૌથી મોટા દાવેદાર છે. બેન્ગલૂરુની એક જ મૅચ બાકી છે અને એના 12 પૉઇન્ટ છે. એનો રનરેટ (+0.387) સારો હોવાથી એને પ્લે-ઑફની થોડી આશા છે.
દિલ્હી કૅપિટલ્સ (14 પૉઇન્ટ, -3.077નો રનરેટ) અને લખનઊ સુપર જાયન્ટ્સ (12 પૉઇન્ટ, -0.787નો રનરેટ)નો પ્લે-ઑફ માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર છે.
મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે.