કિશન-ઐયરનો અનુભવી ભારતીય વિકેટકીપરે ડબલ સ્ટાન્ડર્ડ સાથે બચાવ કર્યો
કોલકાતા: થોડા સમયથી ઘણા ભારતીય વિકેટકીપર-બૅટર ખૂબ ચર્ચામાં છે. રિષભ પંત કાર-અકસ્માતને લીધે મહિનાઓથી મેદાનથી દૂર રહેવું પડ્યું છે, કેએલ રાહુલ ઈજાને લીધે ભારતીય ટીમથી દૂર છે, ઇશાન કિશન ફૉર્મ ગુમાવી દીધા પછી રણજી ટ્રોફી સહિત ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળીને વિવાદમાં ફસાયો છે અને હવે ભારત વતી 40 ટેસ્ટ રમી ચૂકેલો વૃદ્ધિમાન સાહા ભારતના બે વિવાદાસ્પદ ખેલાડીઓની ડબલ સ્ટાન્ડર્ડ સાથે તરફેણ કરીને ચર્ચાસ્પદ બની શકે.
કિશન અને શ્રેયસ ઐયર હજી હમણાં સુધી ભારતીય ટીમના મેમ્બર હતા, બન્ને પ્લેયર ઑક્ટોબર-નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો પણ હિસ્સો હતા, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળીને તેમણે બીસીસીઆઇનો ગુસ્સો વહોરી લીધો છે. આઇપીએલ સહિત ફ્રૅન્ચાઇઝી આધારિત ટી20 ટૂર્નામેન્ટોના વધતા જતા પ્રમાણ વચ્ચે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પોતાની બાદબાકી કરવા બદલ ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી જ તેમને માઇનસ કરી દીધા છે.
જોકે સાહાનું એવું માનવું છે કે ‘જો કોઈ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવા માગતો હોય તો તેને જબરદસ્તી ન કરી શકાય.’
જોકે સાહાનું એવું પણ કહેવું છે કે ડોમેસ્ટિક ક્રિકેટ જ દરેક ખેલાડીની કરીઅરનો આધારસ્તંભ કહેવાય એટલે દરેકે પોતાની કરીઅરને આગળ ધપાવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટને મહત્ત્વ આપવું જ જોઈએ.
સાહા ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ વતી રમે છે અને આઇપીએલમાં હવે ગુજરાત ટાઇટન્સ વતી રમતો જોવા મળશે. સાહાએ કિશન-શ્રેયસને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની બહાર રાખવાના બીસીસીઆઇના નિર્ણય પર કહ્યું, ‘એ બીસીસીઆઇનો ફેંસલો છે અને સંબંધિત ખેલાડીનો પણ વ્યક્તિગત નિર્ણય પણ કહી શકાય. હા, કોઈ પ્લેયરને જબરદસ્તી ન કરી શકાય.’
સાહાએ પોતાના અનુભવને ટાંકીને ક્હ્યું, ‘ક્રિકેટરે દરેક મૅચને સમાન મહત્ત્વ આપવું જોઈએ. હું જ્યારે ફિટ હોઉં છું ત્યારે રમું છું. ત્યાં સુધી કે હું ક્લબ ક્રિકેટ અને ઑફિસ ક્રિકેટ પણ રમું છું. મારા માટે પ્રત્યેક મૅચ એકસમાન છે. સરફરાઝ ખાનનો જ દાખલો લઈએ. તે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ડોમેસ્ટિક કિકેટમાં બહુ સારું રમ્યો અને એનું ફળ તેને હવે મળી રહ્યું છે.’