કીર્તિ આઝાદનો આક્ષેપ, `દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશને 140 કરોડ રૂપિયામાંથી…’
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને આ અઠવાડિયે દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખપદ માટે લડનારા કીર્તિ આઝાદે ઍસોસિયેશનના વર્તમાન શાસન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે જેમાં તેમણે ખાસ ઉલ્લેખમાં કહ્યું છે કે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન બીસીસીઆઇ તરફથી દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનને જે અંદાજે 140 કરોડ રૂપિયા મળ્યા હતા એનો અમુક નાનો હિસ્સો જ ખર્ચ કરવામાં આવ્યો હતો.
ભાજપના ભૂતપૂર્વ નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનના ચીફ છે અને તેમણે પીટીઆઇને આ આક્ષેપો સંબંધમાં કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.
આ પણ વાંચો : એડિલેડમાં ભારતીય દર્શકે પીળો કાગળ બતાવ્યો અને ઓસ્ટ્રેલીયન દર્શકો ભડકી ગયા! જાણો શું છે કારણ
દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશનની બૅલેન્સ શીટ મુજબ ક્રિકેટ સંબંધિત આ સ્ટેટ યુનિટને બીસીસીઆઇ તરફથી ગયા નાણાકીય વર્ષમાં ગ્રાન્ટ કે સબસિડી તરીકે 70 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 67 કરોડ રૂપિયાની આવક આઇપીએલની આવક, બીસીસીઆઇની મૅચ ફી તેમ જ ટિકિટોના વેચાણ સહિતના અન્ય માધ્યમો મારફત થઈ હતી.
કીર્તિ આઝાદનો આક્ષેપ છે કે `દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનને બીસીસીઆઇ તરફથી દર વર્ષે 140 કરોડ રૂપિયા, દર મહિને સરેરાશ 12 કરોડ રૂપિયા અને પ્રતિદિન 40 લાખ રૂપિયા મળે છે. ઍસોસિયેશનને જે ગ્રાન્ટ મળે છે એનું યોગ્ય સંચાલન નથી કરાયું. અકાઉન્ટ્સની બુકનું યોગ્ય ઑડિટિંગ પણ નથી થયું. ક્રિકેટ પર માત્ર સાત કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા. બાકીના પૈસા ક્યાં જઈ રહ્યા છે?’